ઇસ્લામાબાદ,તા.૧૫
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઑ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાન સરકારે આજે સોમવારે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ લગાવવાનો ર્નિણય કર્યો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે, ‘પાકિસ્તાન સરકાર દેશ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ લગાવશે.’ ૭૧ વર્ષના ઈમરાન ખાનને બે કેસમાં જેલની સજા થઈ છે. હાલમાં તે રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તરારે PTIની હાજરી વિના દેશને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, “સરકારે PTI પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય કર્યો છે.” તેમણે સરકારના ર્નિણય પાછળ “વિશ્વસનીય પુરાવા” ટાંક્યા હતા. સરકારનો આ ર્નિણય અનામત સીટોના મામલામાં PTIને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત તેમજ ગેરકાયદેસર લગ્નના કેસમાં ખાનને આપવામાં આવેલી રાહત બાદ આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઈમરાન ખાનના રાજકીય અસ્તિત્વને ખતમ કરવાની તૈયારી છે, જેથી તેઓ તેમની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી ન શકે.