મુંબઇ,તા.૧૭
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. ગડકરીએ દાવો કર્યો હતો કે ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં કોંગ્રેસે બંધારણમાં ફેરફારો કર્યા હતા. વાકડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગડકરીએ કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે જાે ભાજપ ૪૦૦થી વધુ સીટો જીતશે તો તે બંધારણને બદલી નાખશે. બંધારણ એ ભારતની લોકશાહીનો મજબૂત ભાગ છે.
ગડકરીએ કહ્યું કે બંધારણને કોઈ બદલી શકે નહીં. વાસ્તવિકતા એ છે કે ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેમની ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટે ગેરકાયદે જાહેર કરી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ફાયદા માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણમાં ફેરફારો કર્યા. તેમણે કહ્યું કે જેમણે એક વખત બંધારણ તોડ્યું હતું તેઓ તેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અને ચૂંટણી દરમિયાન લોકોને ભ્રમિત કરવા માટે કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર ‘ગરીબી હટાઓ’ ના નારા આપે છે. વાસ્તવમાં તેમની સરકાર દરમિયાન ગરીબોએ માત્ર સમસ્યાઓનો સામનો કર્યો હતો, આજે પણ જ્યાં કોંગ્રેસ છે ત્યાં ગરીબો મુશ્કેલીમાં છે. કોંગ્રેસના શાસન દરમિયાન, ‘ગરીબી હટાઓ’ ના નારા સાથે ૮-પોઇન્ટ, ૨૦-પોઇન્ટ અને ૪૦-પોઇન્ટ જેવા ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે, ખેડૂતો, મજૂરો, દલિતો અને મુસ્લિમોમાં ગરીબી યથાવત રહી હતી.
ગડકરીએ કહ્યું કે ભાજપ દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન રૂપિયા સુધી લઈ જવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર રૂ. ૨૨ લાખ કરોડનું છે અને વિશ્વમાં ત્રીજા ક્રમે છે, જ્યારે ૨૦૧૪ પહેલા તે આઠમા સ્થાને હતું અને રૂ. ૭ લાખ કરોડનું મૂલ્ય હતું. વિકાસ અને ટેક્નોલોજીના કારણે આપણે હવે જાપાનને પાછળ છોડી દીધું છે. આપણે ચીન અને અમેરિકા પાછળ છીએ, પરંતુ આશા છે કે આવનારા ૫ વર્ષમાં આપણે ચીનને પાછળ છોડી દઈશું.