સુરત, તા.૬
સુરતમાં ખોટા પ્રોપર્ટીકાર્ડ બનાવવાના કેસમાં તપાસ તેજ બની છે. એન.એ.કર્યા વિના જ સ્કીમ બનાવી પ્રોપર્ટીકાર્ડ બનાવી દેવાયા હતા. ત્યારે જમીન કૌભાંડ અંગે ડીઆઇજી ચૈતન્ય માંડલિક બોલ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા પ્રોપર્ટીકાર્ડ બન્યાની સુરતમાં ફરિયાદ મળી હતી અને અમદાવાદમાં કેસની પ્રાથમિક તપાસ થયેલી છે
ડીઆઇજી ચૈતન્ય માંડલિક કહ્યું કે, ”આઝાદ રામોલિયાની જમીન સુરતના ડુમ્મસમાં આવેલી છે અને એન.એ.થયા વિના જ સ્કીમ બનાવી દેવાઈ અને પ્રોપર્ટીકાર્ડ પણ બની ગયા અને સાયલન્ટ ઝોન નામની સોસાયટી પણ બની હતી” અત્રે જણાવીએ કે, ૨૫૦૦ કરોડની જમીનમાં ૩૦૦ જેટલા પ્રોપર્ટીકાર્ડ બનાવી દેવાયા હતાં.
સુરતમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ગેરકાયદે વેચાણ કર્યાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીના ભાગીદારે અને સિટી સર્વેના સુપ્રિટેન્ડેન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.
ઘોડદોડ રોડ પર રહેતા આઝાદ ચતુરભાઈ રામોલિયાએ સાતેક વર્ષ પહેલાં ડુમસ અને વાટા ખાતે અલગ-અલગ બ્લોક નંભરથી નોંધાયેલ જમીનો ખરીદ કરી હતી. મુળ જમીન માલિક રસીક લલ્લુભાઈ પાસેથી જમીન ખરીદ્યા બાદ આઝાદ રામોલીયાએ તમામ બ્લોક નંબરોના ૭-૧૨ના ઉતારામાં પોતાનું અને પત્નીનું નામ દાખલ કરાવ્યું હતું.
જાે કે, બે વર્ષ પૂર્વે આ જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હોવાનું સામે આવતાં તેમણે જિલ્લા કલેક્ટરથી માંડીને સંબંધિત વિભાગમાં વર્ષ ૨૦૨૨માં લેખિતમાં રજુઆત કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગેરકાયદે પ્લોટિંગ માટે ખોટી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થયો હતો. ડુમસ – વાટા અને ગવિયર વિસ્તારમાં સાયલન્ટ ઝોનના નામે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો દ્વારા ખેડૂતોની અંદાજે પાંચ લાખ ચોરસ વાર જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટા દસ્તાવેજાે ઉભા કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.