બેંગલુરુ, તા.૬
દુનિયાભરમાં દહેશત મચાવી ચૂકેલી મહામારી કોવિડ ૧૯ બાદ હવે એચએમપીવી નામનો નવો વાયરસ દહેશત મચાવી રહ્યો છે જેણે હાલમાં જ ચીનમાં દસ્તક આપી. હવે ભારતમાં પણ આ બીમારીએ પગપેસારો કરી લીધો છે. એક જ દિવસમાં બે કેસ સામે આવતા ચિંતા પ્રસરી છે. ૮ મહિનાની બાળકી અને ૩ માસનું બાળક આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે.
દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકના પાટનગર બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં એચએમપી વાયરસ મળી આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ કર્યો નથી. એક ખાનગી હોસ્પિટલમાં તેના કેસ અંગે રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. અત્રે જણાવવાનું કે એચએમપી વાયરસ સામાન્ય રીતે બાળકોમાં જ ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલોમાંથી ૦.૭ ટકા એચએમપીવીના હોય છે. આ વાયરસનું સ્ટ્રેન કયો છે તે હજુ જાણી શકાયું નથી.
આ વાયરસને હ્યુમન મેટાન્યૂમોવાયરસ કે એચએમપીવી વાયરસ કહે છે. જેના લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા હોય છે. સામાન્ય કેસોમાં તે ઉધરસ, નાક ગળવું કે ગળામાં ખારાશના લક્ષણો જાેવા મળે છે. નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવીનું સંક્રમણ ગંભીર બની શકે છે. નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોમાં આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. એવું કહેવાય છે કે આ વાયરસમાં સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવાની મુશ્કેલી અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસર્સે વાયરસ સંલગ્ન પડકારોને પહોંચી વળવા માટે એડવાઈઝરી બહાર પાડી છે. હોસ્પિટલનો નિર્દેશ અપાયા છે કે ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારીઓના કેસો અંગે તરત આઇએચઆઇપી પોર્ટલ દ્વારા જાણકારી આપવી. શંકાસ્પદ કેસો માટે કડક આઈસોલેશન પ્રોટોકોલ અને સાવધાની વર્તવાની કહેવાયું છે.