સુરત, તા.૧૭
ઉધના ખાતે આવેલા લુમ્સ ખાતામાં પગાર મામલે ઉશ્કેરાયેલા ઓડિસ્સાવાસી કારીગરે પોતાના પૂર્વ સુપરવાઈઝર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સુપરવાઈઝરને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉધના પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓડિસ્સાવાસી કારીગર મનોજ પગારના વિવાદને કારણે એક મહિના પહેલા નોકરી છોડીને ગયા હતો. ત્યાર બાદ મનોજ અચાનક કંપની પહોંચ્યો અને રાકેશ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો. પીડિત રાકેશને પેટના ભાગે ચાર ઘા મારી કારીગર ફરાર થઈ ગયો. રાકેશને સાથે સાથે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂના પગાર વિવાદ અને કામ સંબંધિત અદાવતને કારણે થયો હોવાનું અનુમાન છે. ઉધના પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ફરાર કારીગરને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. હુમલાની જાણ થતા જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મનોજને ઝડપવા માટે ટીમની ગોઠવણ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી થશે.
