સુરત,તા.૨૨
સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનો આરટીઈ અંતર્ગત શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના પુરાવાના આધારે એડમિશન મેળવનારા ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
જેમાંથી ૬૮ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા કરતાં વધુ કમાણી ધરાવતાં હતાં. જેમાંથી કેટલાંક વાલી ૭૪ લાખની હોમલોન ભરી રહ્યા છે. ત્યારે કેટલાંક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, આવકના દાખલામાં પોતાની આવક ઓછી દર્શાવી ગેરકાયદે પોતાના બાળકોનું એડમિશન લઈ લીધું છે. ડીઇઓ દ્વારા શાળાઓને પણ આદેશ કરવામાં આવ્યો છે કે, જાે આવી કોઈપણ ઘટના સામે આવે તો તુરંત શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવું. જાેકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે ખોટા દસ્તાવેજ બનાવવા મુદ્દે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ સિવાય જે ૧૦૦ જરૂરિયામંદ બાળકો હતાં જે આ ભ્રષ્ટાચારના કારણે આરટીઈ હેઠળ પ્રવેશ ન મેળવી શક્યાં તેમના બંધારણીય અધિકારના હનનનું વળતર કોણ ચૂકવશે? અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હવે આરટીઈ ની આ ૧૦૦ જગ્યા ખાલી રહેશે અને જે ખરેખર આ યોજના હેઠળ શિક્ષણના હકદાર હતાં તે પણ વંચિત રહી ગયાં. શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે જ દસ્તાવેજ યોગ્ય રીતે ચકાસવામાં કેમ નથી આવતા? ભ્રષ્ટ અધિકારીઓના કારણે ક્યાં સુધી આ બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે?
