નવીદિલ્હી,તા.૨૮
દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી ૮૩ ટકા તો કોંગ્રેસની કમાણી ૧૭૦ ટકા વધી છે.
ગતવર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોની આવક વધી હોવાનુ અનુમાન છે. જેમાં ભાજપની કમાણીમાં મોટો હિસ્સો ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી આ અંગે માહિતી મેળવવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાજપની કમાણી ૮૩ ટકા વધી રૂ. ૪૩૪૦.૫ કરોડ થઈ છે. જે ભાજપની અત્યારસુધીની સૌથી વધુ આવક છે. જેમાં સૌથી વધુ યોગદાન ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત ભાજપે રૂ. ૧૬૮૫.૬ કરોડ એકત્રિત કર્યા હતાં. ૨૦૨૨-૨૩માં ભાજપે ૨૩૬૦.૮ કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ગતવર્ષે લોકસભા સહિત વિવિધ ચૂંટણીઓ પાછળ ભાજપે ૨૨૧૧.૭ કરોડનો ખર્ચ કર્યો હતો. જે ૨૦૨૨-૨૩માં જાહેર કરેલા ૧૩૬૧.૭ કરોડ ખર્ચ સામે ૬૨ ટકા વધુ છે. લોકસભા ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ કોંગ્રેસ માટે પણ કમાણી કરવામાં શુકનવંતુ રહ્યું હતું. કોંગ્રેસની આવક ૨૦૨૨-૨૩માં રૂ. ૪૫૨.૪ કરોડ સામે ૨૦૨૩-૨૪માં ૧૭૦ ટકા વધી રૂ. ૧૨૨૫ કરોડ થઈ છે.
ઈલેક્ટોરલ બોન્ડ મારફત થતી આવક પણ ૩૮૪ ટકા વધી હતી. ૨૦૨૩-૨૪માં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. ૮૨૮.૪ કરોડની આવક મેળવી હતી. જે અગાઉના વર્ષે રૂ. ૧૭૧ કરોડ હતી. ઉલ્લેખનીય છે, કોંગ્રેસની આવકમાં વૃદ્ધિની સાથે તેનો ખર્ચ પણ ૧૨૦ ટકા વધ્યો હતો. કોંગ્રેસે ૨૦૨૩-૨૪માં રૂ. ૧૦૨૫.૨ કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે ૨૦૨૨-૨૩માં રૂ. ૪૬૭.૧ કરોડ ખર્ચ્યા હતાં. ઓડિટ રિપોર્ટમાં ૨૦૨૩-૨૪ દરમિયાન ભાજપે જાહેરાતો અને પ્રચાર પાછળ રૂ. ૧૧૯૫ કરોડ, યાત્રા પાછળ રૂ. ૧૯૬.૮ કરોડ, ઉમેદવારોને નાણાકીય સહાય પેટે રૂ. ૧૯૧ કરોડ ખર્ચ કર્યા છે. બેલેન્સશીટ મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી ભાજપ પાસે રૂ. ૧૦૯.૨ કરોડ રોકડા, રૂ. ૧૬૨૭.૨ કરોડનું બેન્ક બેલેન્સ, અને રૂ. ૫૩૭૭.૩ કરોડની બેન્ક એફડી જમા છે. કોંગ્રેસે ૨૦૨૩-૨૪ દરમિયાન ચૂંટણી પૂર્વે હાથ ધરેલા સર્વે પાછળ રૂ. ૪.૯ કરોડ ખર્ચ કર્યા હતા. ૧૪ જાન્યુઆરીથી ૧૬ માર્ચ, ૨૦૨૪ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જાેડો ન્યાય યાત્રા પાછળ રૂ. ૪૯.૬ કરોડ ખર્ચ કર્યા હતા. આમ કોંગ્રેસે ૨૦૨૩-૨૪માં કુલ ૧૦૨૫.૨ કરોડનો ખર્ચ કર્યો હતો.
