સુરત, તા.૧૮
સુરતના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હત્યા કરી હતી. જાેકે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળુ કાપી લીધાની જાણકારી મળી રહી છે. આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું છે. ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતાં યુવકની સ્વરપેટી કપાઈ ગઈ છે અને હાલ તેની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. યુવક નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વરનો રહેવાસી સુરેશ જાેગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જાેગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી.
બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ આ ઘટના કેવી રીતે બની તેની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
