નવી દિલ્હી, તા.૧૯
નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગનો મામલો હવે કોર્ટ પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, તમે અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરો. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામુ લખાવી આ દુર્ઘટના મામલે લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવા કહ્યું છે. તેમજ રેલવે બોર્ડમાં ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી લેવામાં આવેલા ર્નિણયોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.
પીઆઇએલની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, તે એક કોચમાં પેસેન્જર્સ માટે ઉપલબ્ધ સીટ કરતાં વધુ ટિકિટ કેમ વેચે છે. જાે તમે એક કોચ માટે મુસાફરોની સંખ્યા નક્કી કરો છો, તો ટિકિટની સંખ્યા મર્યાદા કરતાં વધુ કેમ રાખો છે. આ એક મોટી સમસ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ મામલાને હળવાશમાં લેવામાં આવશે નહીં. રેલવે કાયદાનું પાલન કરવા બંધાયેલું છે. પીઆઇએલમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉચ્ચત્તમ સ્તરે વિચાર કરવામાં આવશે.
ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રેલવે ૯૬૦૦થી વધુ નોન-રિઝર્વ ટિકિટ વેચી હતી. જાે અધિકારીએ કાયદાકીય જાેગવાઈઓનું પાલન કર્યું હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. જાે રેલવે પોતાના નિયમો અને જાેગવાઈઓનું પાલન કર્યું હોત તો, દુર્ઘટના ટળી હોત. આ પીઆઇએલ રાષ્ટ્રના હીતમાં છે. હું માળખાગત ઢાંચા અને નીતિગત મુદ્દાઓ પર ટીપ્પણીઓ કરી રહ્યો નથી.
કોર્ટે જણાવ્યું હતું કે, પીઆઇએલ હાલની નાસભાગની ઘટના સુધી સીમિત નથી. તેમાં એક ડબ્બામાં યાત્રીઓની મહત્તમ સંખ્યા અને પ્લેટફોર્મ ટિકિટના વેચાણો સંબંધિત કાયદાકીય જાેગવાઈઓ લાગુ કરવાની માગ કરી છે. જાે કાયદાકીય જાેગવાઈઓ પર્યાપ્ત રૂપે લાગૂ કરવામાં આવે તો નાસભાગ જેવી ઘટનાઓથી બચી શકાય. આ મામલે આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે.
