ગાંધીનગર, તા. ૧૮
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. લગભગ મોટાભાગની નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં જીત મેળવી છે. આ ચુંટણીનું અંતિમ ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. એટલે કે જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપે પોતાની પાસે રાખી છે. આ ઉપરાંત ૬૮ નગરપાલિકાઓ પૈકી ૬૨ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ હતી. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાયો હતો. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી હતી. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જાેડાયા હતા. કોંગ્રેસને માત્ર ૧ સલાયા નગરપાલિકાની જ બેઠક મળી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જાેવા મળ્યો હતો. જ્યારે કે, ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. એટલે કે, નોંધનીય છે કે ૧૮૪૪ બેઠકમાંથી ૧૬૭ બેઠક બિન હરીફ થતા ૬૬ પાલિકાઓની ૧૬૭૭ બેઠક માટે મતદાન થયું હતું. જેમાં કૂલ ૧૬૭૭ બેઠકોમાંથી ૧૩૭૭ બેઠક ભાજપને ફાળે ગઇ છે.
આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. જાે કે, દેવભૂમિ દ્વારકામાં ૨૮ બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૫ બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં ૧૩ સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.
ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે. આ ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર ૩ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર ૩ માં ફક્ત ૩૦ મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર ૪માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૭ પર પહોંચી ગયો છે જ્યારે ૧ બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે. વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો ૧૧ બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ ૨૮ બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જાેતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ યથાવત છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. જાે કે અહીં એક મોટો અપસેટ થયો છે. જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા અપક્ષ સામે હારી ગયો છે. હાલ મળતી માહિતી મુજબ અહીં ભાજપના ખાતામાં ૧૨ બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો ૬૦ છે. આ ઉપરાંત ચોરવાડમાં પણ મોટો ઉલટફેર થયો છે. જેમાં ગીર સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયાનું જાણવા મળ્યું છે. બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં છે. જેમાં બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસના ૨ અને ભાજપના ૨ ઉમેદવારો જીત્યાં હતા. જ્યારે કે, સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર ૧માં પણ ભાજપની પેનલ જીતી છે.
