કોલકાતા, તા.૧૯
કોલકાતાની એક વિશેષ પોક્સો કોર્ટે મંગળવારે સાત મહિનાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના પ્રયાસના દોષિતને ફાંસીની સજા આપી છે. બેંકશાલમાં પોક્સો કોર્ટે સોમવારે શહેરના બુરટોલા વિસ્તારમાંથી બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની ધરપકડના ૭૫ દિવસની અંદર દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ મંગળવારે તેને સજા ફટકારવામાં આવી હતી.
બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલની અંતિમ સુનાવણી પછી કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. ન્યાયમૂર્તિ ઇન્દ્રિલા મુખર્જીએ દોષિત રાજીવ ઘોષને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫(૨), ૧૪૦ (૪), ૧૩૭ (૨) અને ૧૧૮ તથા પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવ્યો છે. બંને એક્ટની પ્રથમ અને છેલ્લી કલમ હેઠળ દોષિતને મહત્તમ સજા તરીકે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
ગયા વર્ષે ૩૦ નવેમ્બરે અપરાધ કરનાર રાજીવ ઘોષની પાંચ ડિસેમ્બર સવારે ઝારગ્રામ જિલ્લાના ગોપીબલ્લવપુર વિસ્તારમાં તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી તે ભાગવાની ફિરાકમાં હતો. પોલીસે આ કેસમાં ૩૦ ડિસેમ્બરે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કેટલાક દિવસ પછી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
વિશેષ સરકારી વકીલ બિભાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે પીડિતા હજુ પણ હોસ્પિટલમાં છે. કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સાત જાન્યુઆરીએ શરૂ થયેલી સુનાવણી પ્રક્રિયાને પૂર્ણ થવામાં ફક્ત ૪૦ દિવસનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં પશ્ચિમ બંગાળની કોર્ટો દ્વારા ફટકારવામાં આવેલી સાતમી મોતની સજા છે. સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ પોક્સો એક્ટ હેઠળ ફટકારવામાં આવેલી છઠ્ઠી મોતની સજા છે. કોર્ટના ફાંસીના ચુકાદા અંગે પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક લેડી ડોક્ટરની બળાત્કાર પછી હત્યાનો કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં સીબીઆઇએ તપાસ પછી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોલકાતા પોલીસના સિવિક વોલિયન્ટર સંજય રોયને આરોપી ગણવામાં આવ્યો છે. ત્યારબાદ સિયાલદ કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જાે કે પીડિત પક્ષે ફાંસીની માંગ કરી છે.
