સુરત, તા.૦૪
ગઇકાલે જ અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ એક છે. હવે કોંગ્રેસ જાેડે આપનું કોઈ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે અને આ નિવેદનને હજુ ૨૪ કલાક પણ નથી થયા ત્યાં આજે (૪ જુલાઈ) સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ‘ગઠબંધન’ કરી વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે. ૫ મહિના પહેલાં વિદ્યુત સહાયક માટેની પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં બાદ પણ ૧૮૦૦થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂકપત્ર આપવામાં આવ્યા નથી.
આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.
વિરોધપ્રદર્શન દરમિયાન બંને નેતાએ આક્ષેપ કર્યો છે કે આ ભરતીપ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રેક્ટ કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીપ્રક્રિયામાં પાસ થનારા મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એકસાથે એકત્ર થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ડીજીવીસીએલ ના એચ.આર. વિભાગના જનરલ મેનેજર એમ.ડી.બાજવાએ જણાવ્યું હતું કે સંસ્થામાં જે એપ્રેન્ટિસ લાઇનમેન એલસીડીટી પરીક્ષા પાસ કરે છે, તેમને લાઇનમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ સંબંધિત તમામ યાદીઓ સંબંધિત સર્કલ પાસે ઉપલબ્ધ હોય છે. આ લાઇનમેનને એપ્રેન્ટિસશીપ માટે બોલાવવામાં આવે છે. સૌ પ્રથમ તેમનો પોલ ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાય છે. હાલમાં જે ૧૮૦૦ ઉમેદવારોની યાદી ઉપલબ્ધ છે, તે લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની છે.
