ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા સરકારનો આદેશ, કાર્યવાહી થાય છે કે કેમ તે અંગે નજર રાખવા અધિકારીઓને સૂચના
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
રાજ્ય સરકારે તે તમામ જાહેર સ્થળો જેમ કે બજારો, દુકાનો, હોસ્પિટલો, હોટલ, થિયેટરો, શાળાઓ અને મંદિરોના સંચાલકો સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, જેમની પાસે ફાયર એનઓસી નથી, એટલે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરને આ આદેશનું પાલન કરવા સખત તાકીદ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાઓને રાજ્ય સરકારના આદેશ વિશે જાણ કરવામાં છે. પોલીસ ગુનો નોંધશે ત્યારે યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ તે અંગે પણ અધિકારીઓને નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
મંદિર અને મસ્જિદની પણ તપાસ કરવામાં આવશે
રાજ્યમાં રાજકોટ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્યમાં મંદિરો, મસ્જિદો, શાળાઓ, કોલેજો, મોલ, થિયેટરો, ખાણીપીણી બજારો, ગીચ વસ્તીવાળા બજારો, ગેમ ઝોન સહિત તમામ જાહેર સ્થળોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશ મુજબ સ્થાનિક મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસે સાથે મળીને સ્થળ તપાસ કરવાની રહેશે.