સુરત, તા.૧૫
સુરત શહેર નજીક ઉન વિસ્તારના ખાડી કિનારે ગાયો સહિત અન્ય પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ૩૦૦ કિ.લો. ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડી ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેર નજીક ઉન વિસ્તારના ગુલઝાર વીલા નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાનો અને પશુઓને વાહનમાંથી ખાલી કરાતા હોવાની બાતમી ભેસ્તાન પોલીસને મળી હતી. તપાસ કરતા ખુલ્લી જગ્યા પરથી પોલીસને ૩૦૦ કિલો ગૌમાંસ મળ્યું હતું. આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પશુઓ બાંધેલા હતા. પોલીસે બાંધેલી ૩ ગાયો, ૨ ભેંસ અને ૪ નાના પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. જયારે એક ટેમ્પો, કુહાડી, છરા, ૨ બાઇક અને મોપેડ સહિત ૩.૦૬ લાખનો સામાન કબજે કર્યો હતો. ભેસ્તાન પોલીસે ઝુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધીયા રાઠોડ, ઈમરાન ઈસ્માઈલ કુરેશી, મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ અને સમીર નુરખાનની ધરપકડ કરી છે. જ્યારે નઈમ સલીમ કુરેશી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે. ઝુબેરે પોલીસને ખેતીવાડી કરતા હોવાની અને શેડમાં બાંધેલા પશું તેમના હોવાનું કહી જીવિત પશુઓમાં એક ગાય ઝુબેરે ઈમરાન કુરેશી અને મુસ્તાક શેખ વેચી હોવાનું જણાવ્યું હતું. ઝુબેરના ખેતરની બાજુમાં બે મજૂરો નામે નઈમ સલીમ અને સમીર નુરખાન સાથે ગાય કાપતા હોવાનું ઉલ્લેખ્યું હતું.