સુરત : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે ઝડપથી કેસ ચલાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈ પુલ પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે પણ આરોપીઓ છે તેમની સામે કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવીને તેમને સજા ફટકારવામાં આવે તેવી માંગણીસ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરી ગાંધી પરિવાર સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સૌથી ગંભીર બાબતે સામે આવી છે કે કોઈ રાજકીય પક્ષે કોઈને 90 કરોડ રૂપિયાની લોન આપી હોય તેવી આ પ્રથમ ઘટના છે. વર્ષ 2008માં નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપર બંધ થઈ ગયું હતું. નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપરના કર્મચારીઓને 74 કરોડ પગાર તરીકે ચૂકવવાના હતા. બાકીના પૈસા ટેક્સ અને બિલ સ્વરૂપે ચૂકવવાના હતા. કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડ રૂપિયા નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપરને આપ્યા હતા. આજ સુધી કોઈપણ રાજકીય પાર્ટીએ કોઈને લોન સ્વરૂપે આટલી મોટી રકમ આપી નથી. કોંગ્રેસે આપેલી લોન નેશનલ હેરાલ્ડ ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતી. ત્યાર બાદ યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરવામાં આવી હતી જેના 38% શેર સોનિયા ગાંધી પાસે હતા બીજા 38% શેર રાહુલ ગાંધી પાસે હતા. બાકીના 24% મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ પાસે હતા. યંગ ઇન્ડિયા કંપનીએ નેશનલ હેરાલ્ડને આપેલી લોન ભરપાઈ ન થતા તેની તમામ સંપત્તિ યંગ ઇન્ડિયા કંપની લઈ લીધી હતી. નેશનલ હેરાલ્ડની જે સંપત્તિ હતી તે મુંબઈ, લખનઉ, દિલ્હી, ભોપાલ અને પટનામાં કુલ અંદાજે 2000 કરોડ જેટલી સંપત્તિ હતી. કોંગ્રેસે ષડયંત્ર પૂર્વક 90 કરોડનું રોકાણ કરીને 2000 કરોડની સંપત્તિ લઈ લીધી છે. કોઈપણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રાજકીય પક્ષ લોન શા માટે આપે. આ ઘટાડો કોઈ પ્રાઇવેટ કંપનીએ કર્યો હશે તો સરકાર તેમની સામે કડક પગલાં લેતી પરંતુ નેશનલ હેરાલ્ડના આરોપીઓ સામે કોઈ પગલાં લેવાય રહ્યા નથી. કોર્ટમાં પણ પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને કેમ બક્ષવામાં આવી રહ્યા છે? કેમ તેમની દલીલો સાંભળવામાં આવી રહી છે? અને તેમને સમય આપવામાં આવી રહ્યો છે. કોર્ટમાં આ કેસ કેમ ઝડપથી ચાલતો નથી. જો તેઓ નિર્દોષ હોય તો તેમને છોડી દેવામાં આવ્યા અને તેઓ દોષિત હોય તો તેમને સામે એક્શન લેવામાં આવે.