સુરત : સાયબર ઠગાઈના કેસોમાં સતત વધાર થતો જાય છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે. જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળીને 20થી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કુલ 13 અલગ અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને 2 કરોડ 75 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન માત્ર 45 દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે. દરેક ખાતા માટે 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યુ હતું કે, આરોપી પ્રિયાંક અને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે. હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે. તેણે પ્રિયાંકને પૈસાની જરૂરિયાતનો બહાનો આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. દરેક ખાતા માટે રૂ. 20થી 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો. પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો, પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તે તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલાવતો હતો. આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટોનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતી રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો. ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીના નાણાં પણ પ્રિયાંકના ખાતામાં જમા થયા હતા સાયબર ક્રાઈમ પોર્ટલ પર થયેલી ફરિયાદમાં શાહપોરમાં રહેતા મુનીર અહેમદને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલરે પોતાની ઓળખ તેના મિત્ર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે હાલ હોસ્પિટલમાં છે અને તેની પાસે પેમેન્ટ માટે ગૂગલ પે બંધ છે. તેથી તે મુનીરના ખાતામાં રૂપિયા જમા કરાવશે અને પછી વોટ્સએપ દ્વારા મોકલેલા QR કોડના માધ્યમથી તેને રૂપિયા ટ્રાન્સફર કરવાના જણાવ્યા હતા. ફરિયાદીએ કોઇ ચકાસણી કર્યા વગર QR કોડ સ્કેન કર્યો અને રૂ. 42,000 ટ્રાન્સફર કરી દીધા. પછી તેને સમજાયું કે તે ઠગાઈનો ભોગ બન્યો છે. આ ફ્રોડમાં પણ જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પ્રિયાંક પટેલના નામે હતા. સાયબર ક્રાઈમ અને લાલગેટ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે પ્રિયાંક સુધી પહોંચી જતા તેને ઝડપી લીધો.
