સુરત, તા.૦૮
સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત્ રહેવા પામ્યો હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. વરિયાવ નજીક આઉટર રીંગ રોડ ખાતે બાઈક પર પસાર થતા માતા-પુત્રને બેફામ દોડતા ડમ્પરે અડફેટે લઈ કચડી નાખ્યા હતા. માતાના ચહેરા પરથી ડમ્પરનું ટાયર ફરી મળતા છુંદાઈ ગયું હતું, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં આવેલી સ્મૃતિ સોસાયટીમાં નંદ પેલેસ એપાર્ટમેન્ટમાં ૬૬ વર્ષીય ગીતાબેન કિરીટભાઈ જૈયાવાલા પરિવાર સાથે રહેતા હતા. ૭ ઓગસ્ટના સાંજના સમયે ગીતાબેન તેમના દીકરા નિલેશ સાથે બાઈક પર કોઈ કામ અર્થે બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ માતા અને પુત્ર બાઈક પર આઉટર રીંગ રોડ ખાતેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી એક હાઈવા ડમ્પર પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું.
હાઈવા ડમ્પર (ય્ત્ન ૦૫ મ્ેં ૮૮૩૩)ના ચાલકે વળાંક લેતા સમયે બાઈક પર જતા માતા-પુત્રને ટક્કર મારી હતી. જેના પગલે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા. માતા ડમ્પરની તરફ પટકાતા ડમ્પરનું પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફરી વળ્યું હતું. જેના પગલે ૬૬ વર્ષીય ગીતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના દીકરા નિલેશને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આસપાસથી દોડી આવેલા લોકોએ પુત્ર નિલેશને ૧૦૮ મારફતે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસડયો હતો. અકસ્માત અંગે જાણ થતા જહાંગીરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાઇવા ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે.
