સુરત, તા.૦૮
સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા વિયર કમ કોઝવેની હાલત કથળી રહી છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં એપ્રેન ધોવાઈ ગયો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો અને કોઝવેના સ્ટ્રેન્થનિંગ માટે યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ પાસે સર્વે કરાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિવિધ એજન્સીઓ પાસે સર્વે કરાવીને ર્નિણય લેવામાં એક વર્ષ જેટલો વિલંબ થયો અને આ દરમ્યાન ફરી ચોમાસું બેસી ગયું છે, જેના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં નુકસાન વધુ વધ્યું છે.
સુરતના રાંદેર અને સિંગણપોર વચ્ચે ૧૯૯૫માં રૂ. ૩૧ કરોડના ખર્ચે આ વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં સતત નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેના સમારકામ પાછળ રૂ. ૧૪ કરોડ જેટલો ખર્ચ કરી દેવામાં આવ્યો છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં કોઝવે ઓવરફ્લો થાય છે, ત્યારે પાણીના અતિશય પ્રવાહના કારણે ડાઉન સ્ટ્રીમમાં ધોવાણ અને નુકસાન થાય છે. ગત વર્ષે આ નુકસાન ખૂબ જ ગંભીર બન્યું હતું. ડાઉન સ્ટ્રીમમાં જમીન બેસી જતાં પાલિકાએ મૂકેલા મોટા કોંક્રિટના ક્યુબ પણ બહાર નીકળી ગયા હતા અને અન્ય ભાગોને પણ મોટું નુકસાન થયું હતું.
ગત ચોમાસા બાદ એક વર્ષ વીતી ગયું હોવા છતાં કોઝવેમાં થયેલા નુકસાન અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં કોઝવેની સપાટી ઘટી છે અને ડાઉન સ્ટ્રીમમાં પડેલા ભંગાણના દૃશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પાલિકા તંત્રનું કહેવું છે કે, રિપેરિંગને બદલે સ્ટ્રેન્થનિંગની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ કામ સામાન્ય ન હોવાથી રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ પાસેથી સર્વે કરાવવાનો ર્નિણય લેવાયો હતો. અત્યાર સુધીમાં વિવિધ એજન્સીઓએ સ્થળ નિરીક્ષણ અને ટેકનિકલ સર્વે કર્યા છે, તેમ છતાં કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી. તંત્ર કોઈ ર્નિણય પર પહોંચે તે પહેલાં જ ફરી એક નવું ચોમાસું શરૂ થઈ ગયું છે. આ વર્ષે પણ કોઝવેની રિપેરિંગ કામગીરી અધૂરી રહી છે. પાલિકા તંત્રનું કહેવું છે કે, હવે સર્વે રિપોર્ટ મળ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવશે. જાેકે, આ સર્વે રિપોર્ટ ક્યારે આવશે, કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે તે અંગે તંત્રએ કોઈ સ્પષ્ટતા કરી નથી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે કોઝવેના સ્ટ્રેન્થનિંગ માટે હજુ કેટલો સમય લાગશે તે નિશ્ચિત નથી. કોઝવેના નબળા માળખાને કારણે તાપી નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે, જેના કારણે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જાેખમ વધી શકે છે.
