(સિટી ટુડે) સુરત, તા.૨૫
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેમજ સતત ૭માં વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરી વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના રહીશો ખાડીપૂરથી ત્રસ્ત છે. તેમજ જળબંબાકારની સ્થિતિ વચ્ચે દર્દીને પણ સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
પૂરની આ સ્થિતિ વચ્ચે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સીમાડાના વાલમનગરમાં આપનાં આ ત્રણ કોર્પોરેટર રચના હીરપરા, મહેશ અણઘણ, વિપુલ સુવાગિયા તથા ભાજપના કાર્યકરો બાખડી પડ્યાં હતાં. આપના કોર્પોરેટરો સ્થળે પહોંચતાં જ ભાજપના કાર્યકરોએ બબાલ શરૂ કરી દીધી હતી.
આપના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરોના આ ઝઘડા દરમિયાન એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- શું કીધું કાલે, પાંચ વાગ્યાના આવ્યા છીએ. તો રચના હિરપરાએ સામે કહ્યું- શાંતિથી બોલો એ ભાઈ, શાંતિ રાખો, આવ્યા છે પ્રતિનિધિ, શાંતિ રાખો.
આ દરમિયાન અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે, આપણે અંદોર અંદર લડવાનું નથી થતું. રચના હિરપરાએ કહ્યું- ઝઘડવા નથી આવ્યા અહીં લોકોનો પ્રશ્નો લઈને આવ્યા છીએ, બરોબર છે. શાંતિ રાખો. અન્ય એક વ્યક્તિએ કહ્યું- શું કર્યું અહીં તમે. એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- તમે શું સોલ્વ કરશો. રચના હિરપરાએ કહ્યું- શાંતિ રાખો કીધુંને તમને. એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- તમે શું સોલ્વ કરશો. અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે તમે તમારું કામ કરો. રચના હિરપરાએ કહ્યું- કાલે તમારા મંત્રી આવ્યા હતા શું કરીને ગયા. પુછો મંત્રીને…અન્ય એક વ્યક્તિએ કહ્યું બેન હવે તું મુંગી રહે. ઓ બેન… આ દરમિયાન અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, તમે શું કર્યું એમ તો કહો… ત્યાર બાદ રચના હિરપરાએ કહ્યું- તમારા મંત્રીને પુછો. પુછો મંત્રીને…અન્ય એક વ્યક્તિ બોલે છે કોર્પોરેટર ક્યાં ગયા અમારા…રચના હિરપરાએ કહ્યું-દુર્ગા બેન અને મીનાબેનને બોલાવો…આ દરમિયાન એક વ્યક્તિ અપશબ્દો બોલીને કહે છે કે, ક્યાં ગયા હતા અત્યાર સુધી.
