ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સહમતીથી બનેલા સંબંધ બાદ લગ્નનો ઈન્કાર એ બળાત્કાર નથી! : આરોપીની ધરપકડ સામે ‘સ્ટે’
ભોગ બનનારનો આરોપી સાથે વર્ષ 2008 માં પરિચય થયો, અને 2013 માં તેમને એક પુત્ર પણ અવતર્યો હતો : વર્ષ 2026 માં બળાત્કારનો ગુનો નોંધાયો
City today સુરત, તા…
લગ્નનો ઈન્કાર એ બળાત્કાર નથી તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખીને દુષ્કર્મના એક કેસમાં ડભોલીના યુવકની ધરપકડ સામે ગુજરાત હાઈકોર્ટે ‘સ્ટે’ આપ્યો છે.
સુરત શહેરના ડિંડોલી પોલીસ મથકમાં 27-2-2026 ના રાજ નોંધાયેલા આ કેસની વિગત એવી છે, હોસ્પિટલમાં રિસેપ્નીશટ તરીકે નોકરી કરતી ૪૫ વર્ષીય સીમા (નામ બદલ્યું છે)એ વિપુલ ભાયાણી (ઉ.વ.૪૪, રહે. અશોક વાટિકા, ડભોલી, ડભોલી) નામના યુવક સામે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. જેથી પોલીસ પકડથી બચવા નાસતા ફરતા આ આરોપીએ વકીલ અશ્વિન જોગડિયા અને રાજેન જાધવ મારફતે ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખી હતી. જ્યાં તેમણે દલીલ કરી હતી કે, પરસ્પર સહમતીથી બનેલા સંબંધ બાદ લગ્નનો ઈન્કાર એ બળાત્કાર નથી. આ ફરિયાદ અઢાર વર્ષ મોડી છે. આરોપી ઉપર ખોટું દબાણ ઉભું કરવા ફરિયાદ કરવામાં આવી છે. જે દલીલ માન્ય રાખીને હાઈકોર્ટે આરોપીની ધરપકડ સામે ‘સ્ટે’ આપ્યો છે અને ચાર્જશીટ સહિતની આગળની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી છે. ગુજરાત હાઈકોર્ટના આ મહત્વના ચુકાદાથી ખાનગી કાર ડીલર કંપનીમાં કામ કરતાં યુવકને રાહત મળી છે.
અત્રે નોંધવું ઘટે કે, પોલીસ ફરિયાદ મુજબ ભોગ બનનારનો આરોપી સાથે વર્ષ 2008 માં પરિચય થયો હતો, અને 2013 માં તેમને એક પુત્રનો જન્મ પણ થયો હતો. જો કે આરોપીએ લગ્ન ન કરતાં ભોગ બનનારે આ કેસ કર્યો હતો.








