અમદાવાદ,તા.૧૨
અમદાવાદથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બે દર્દીના મૃત્યુ થયા છે. પરિવારજનોનો આરોપ છે કે, તબીબોએ ખોટી રીતે દર્દીઓને દાખલ કરી ઓપરેશન કર્યું હતું. એટલું જ નહીં, આ દરમિયાન પરિવારજનોને પૂછ્યા વિના જ સ્ટેન્ટ પણ મૂકી દીધા હતા. આ કારણસર બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા.
ડોકટરોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે કારણ કે તેઓ બીમારીઓને દૂર કરીને અને લોકોના જીવનને બચાવીને ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. પરંતુ ડૉક્ટર પરથી વિશ્વાસ ઉઠી જય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો છે. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, “આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. જેમાં બે લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા માટે આ લોકોએ અમને જાણ કર્યા વગર ઓપરેશન કરીને અમારા સ્વજનોના જીવ સાથે ચેડા કર્યા છે. કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. ૫ દર્દી હાલ ICUમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. બનાવની ગંભીરતાને જાેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી ૧ લાખ ૨૮ હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. PMJAY યોજના હેઠળ એક સાથે ૧૯ વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એકશન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાયસન્સ રદ કરાશે. જે ડોકટરો એ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઇ શકે છે.