(સિટી ટુડે)<live> ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થતાં લોકો રોષે ભરાયા : પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા: અત્યાર સુધીમાં 35 લોકોની અટકાયત કરવામાં આવી છે :સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની બિલ્ડીંગો માંથી પથ્થરમારો : અજાણ્યા યુવકોએ સામેથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો: ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત
સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં લોકો રોષે ભરાયા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી રહી છે. મૂર્તિ ખંડિત કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે.
લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ગણપતિ પંડાલમાં જઈને મૂર્તિઓ ખંડિત કરવા મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નાનપુરા, રાંદેર, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોની અંદર પોલીસ રવાના કરી દેવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાંકોંબિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવા માટે ડ્રોન ઉડાવવાના શરૂ કરાયા છે જેથી કરીને કોઈ પણ ટોળું જ્યાં પણ એકત્રિત થયું હોય તેમને ઝડપથી પકડી શકાય.
સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે અત્યારે જે માહિતી મળી છે તે મુજબ કેટલાક લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને હવે પછી આ પ્રકારની ઘટના ન બને તેના માટે પણ કામ આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં નાના બાળકોનો પથ્થર ફેંકવા માટે ઉપયોગ કરાતો હતો એવો જ ઉપયોગ આજે સુરતમાં થયો હોય તેવું લાગે છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે બાળકોનો ઉપયોગ થતો હતો એવો જ ઉપયોગ સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. અત્યારે પણ કેટલાક વિસ્તારોમાંથી પથ્થરમારો સતત થતો હોવાના સમાચાર મળી રહ્યા છે આ વિધર્મીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં ખલેલ પહોંચાડવાનું આ કૃતિઓ કરવામાં આવ્યું છે ત્યારે કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હજી પણ પથ્થર મારવામાં આવી રહ્યા છે મને હાથમાં પથ્થર લાગતા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું છે, અમે સાથે આઠ યુવાનો આ વિસ્તારમાંથી શાંતિથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ કેટલાક અજાણ્યા યુવકોએ સામેથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને અમે ત્યાંથી નાસી નહીં સાઇડ ઉપર આવી ગયા હતા. અહીં આવતા જ મેં પોલીસ કર્મચારીઓ અને આ ઘટના અંગેની જાણ કરી છે. હું સુરત પોલીસને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અમને ન્યાય આપવામાં આવે. આવી રીતે આ સામાજિક તત્વો પથ્થરમારો કરે એ કેટલો યોગ્ય છે.