સુરત, તા.૧૨
સુરતના સહારા દરવાજા ગરનાળા નીચે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એસટી બસે ૪ થી ૫ વાહનચાલકોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સહારા દરવાજા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલી એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હતો. જાેકે, આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના અલગટ ગામથી મુસાફરો લઈને એસટી બસ સુરત સ્ટેશન પહોંચી રહી હતી. સુરત સ્ટેશન ઉપર પહોંચે તે પહેલા જ શહેરા દરવાજા પર જ અકસ્માતની ઘટના બની હતી. સહારા દરવાજા ગરનાળા પાસે એસટી બસે બે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એકને પગના ભાગે ફેક્ચર થયું હતું. સ્મીમેર હોસ્પિટલની નજીક જ ઘટના બનતા ઇજાગ્રસ્તને ગણતરીની મિનિટોમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ એસટી બસનો ચાલક બે મોટર સાયકલને અડફેટે લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં ડ્રાઈવરે બસની બ્રેક એકાએક ફેલ થઈ હોવાની વાત કરી હતી. જાેકે હવે ઘટના બાદ ખરેખર બસની બ્રેક ફેલ હતી કે અન્ય કોઈ કારણ હતું, તે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર તપાસ કરશે. બાદમાં આ સહિતની ટેકનીકલ બાબતોની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
