નવી દિલ્હી, તા.૧૬
આજે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક ખેડૂતોના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં આજે કેબિનેટ બેઠકમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. જેમાં ૩૬ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે NLCIL(NLC India Limited)ને ૭,૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન બાદ ભારતે પોતાનું અંતરિક્ષ મથક બનાવવા તરફ વધુ એક પગલું આગળ વધાર્યું છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ માં, નાણામંત્રી ર્નિમલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને લક્ષ્ય બનાવશે.ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાક વૈવિધ્યકરણ, ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
