સુરત, તા.૧૭
ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં ૨૦૫૦ કરોડના કૌભાંડ અને એના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઈડીએ તમામ ૧૬૪થી વધુ કરંટ એકાઉન્ટ્સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને હવાલા મારફત આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ અંગેની તપાસ ઈડીની પ્રાથમિકતા છે. પોલીસે અત્યારસુધી એકત્રિત કરેલાં તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા ઈડીને સોંપવામાં આવ્યાં છે, જેના આધારે ઈડી પોતાની તપાસને આગળ વધારી રહી છે.
આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જાડાણ ક્યુબા દેશ સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ બાબત કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે.
આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ઈડી હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ વિશાળ કૌભાંડમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. સુરતના ૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં દીપ મુકેશ ખેની (ઉં.વ. ૨૫, રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, મૂળ ભાવનગર)ને ગીર સોમનાથથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ ૨૧ મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મિત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાં મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ ૧ લાખથી ૭ લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલાં બેંક ખાતાંનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજા દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવાં ૧૬૪ બેંક ખાતાં જપ્ત કર્યાં છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી છે. ખાસ કરીને આરબીએલ બેંકના ૮૯ ખાતાઓમાં જ કુલ ૨૦૫૦ કરોડના વ્યવહારો જાવા મળ્યા છે, જે કૌભાંડના વિશાળ કદને સ્પષ્ટપણે દર્શાવે છે.
