સુરત, તા.૧૬
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી દ્વારા એક જ સિક્યુરિટી ગાર્ડને એક પગાર આપી અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ સ્થળ પર ફરજ સોંપાતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરેલી વાતચીતમાં અનેક સિક્યુરિટી ગાર્ડ એક કે દોઢા પગારમાં ૧૬ કલાક નોકરી કરતા હોવાની કબૂલાત કરી હતી. કેટલાક કર્મચારી તો ૨૪ કલાક ફરજ બજાવતા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. સુરત મહાનગરપાલિકા સિક્યુરિટી એજન્સીને વાર્ષિક અઢી કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ કરાવી મોટાપાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને તપાસની માગ કરી છે.
આમ આદમી પાર્ટી દ્વારા આજે વિપક્ષ નેતા તેમજ અન્ય કોર્પોરેટરો દ્વારા એકાએક જ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મોટું કૌભાંડ થતું હોવાનો સામે આવ્યું છે. કોર્પોરેટોરો જ્યારે હાજરી પત્રક જાેયું ત્યારે જે નામ હતા,તે જાેઈને ચોકી ગયા હતા. હાજરી પત્રકમાં એક સિક્યુરીટી ગાર્ડનું નામ જાેવા મળ્યું હતું જે એક સાથે ત્રણ પાળી કરી રહ્યો છે. એટલે કે ૨૪ કલાક ડ્યુટી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેનો પગાર તેને ૨૪ કલાકનો ૧૨ હજાર રૂપિયા જેટલો મળી રહ્યો છે.તેવી કબુલાત તેણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે કરી હતી. કૌભાંડ એ રીતે કરવામાં આવે છે કે મેઇન ગેટ ઉપર એક પાળી અને બે પાળી પાર્કિંગમાં ફરજ બજાવતા હોવાનું બતાવે છે તો ક્યારેક એક પાળી પાર્કિંગમાં અને બે પાળી મુખ્ય ગેટ ઉપર ફરજ બજાવે છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું કે આજે પહેલી વખત મ્યુનિસિપલ કમિશનરે અમને ખૂબ જ ગંભીરતાથી સાંભળ્યા છે. તમામ પ્રકારના પુરાવા અને વીડિયો રેકોર્ડિંગ અમે પેન ડ્રાઈવમાં પણ આપીને આવ્યા છીએ. જેથી કરીને તેઓ આની ઊંડાણપૂર્વકની તપાસ કરી શકે તેમણે તમામ પુરાવા જાેયા છે અને સંબંધિત અધિકારીને કડક શબ્દોમાં સૂચના આપી છે કે આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તેને તાત્કાલિક અસરથી રોકવા માટે લેવામાં આવે. કરોડો રૂપિયાનું સિક્યુરિટી બજેટ સુરત કોર્પોરેશન ફાળવે છે પરંતુ શક્તિ પ્રોટેક્ટ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપની સામે અત્યાર સુધી શાસકો કોઈ પગલા લઈ શક્યા નથી આ ફરિયાદ આજકાલની નથી પરંતુ ઘણા સમયથી થાય છે પરંતુ શાસકોને અધિકારીઓને આ કૌભાંડ રોકવામાં જાણે કોઈ પણ પ્રકારનો રસ નથી.
કોર્પોરેશનના મુખ્ય ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું કે, હું પોતે પણ ત્યાં ગયો હતો અને અમારા સુપરવાઇઝર સાથે પણ વાત કરી હતી. બે હાજરી પત્રક ભરવામાં આવતા હોય છે. એક સ્મીમેર હોસ્પિટલમાં ભરવામાં આવે છે. ત્યાંથી હાજરી પત્રક આવે છે તેના જ આધારે અમે અહીં કોર્પોરેશનમાં પણ જેટલા સિક્યુરિટી ગાર્ડ હાજર હોય તેની હાજરી ભરી દઈએ છીએ. જે આખી સિસ્ટમ છે તે એ રીતની છે કે હોસ્પિટલના જે આરએમઓ ના અંતર્ગત સિક્યુરિટી જાેવાનું આવે છે તેમના દ્વારા અમને હાજરી પત્રક મોકલવામાં આવે છે અને તેના આધારે જ સિક્યુરિટી એજન્સીને પૈસા ચૂકવવામાં આવતા હોય છે. જે તે પોઇન્ટ માટે જે તે વ્યક્તિની જવાબદારી પહેલાથી જ નક્કી છે. આરએમઓ જે પ્રકારે અમને હાજરી પત્રક મોકલે છે એના આધારે જ અમે હાજરી નોંધી લઈએ છીએ. જાેકે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અમે ફરી એક વખત આ બાબતની ઊંડાણપૂર્વકની તપાસ કરીશું.
સુરત મહાનગરપાલિકા શક્તિ પ્રોટેક્ટ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ એજન્સી છે તેની સાથે કરાર કર્યા મુજબ આઠ કલાકના ૧૨૦૦૦ રૂપિયા જેટલા ચૂકવવામાં આવે છે. પરંતુ અહીં ખેલ એ રીતે થાય છે કે એક સિક્યુરિટી ગાર્ડને માત્ર ૮૦૦૦ રૂપિયા જેટલું ચૂકવણું થાય છે. ત્યારબાદ ખરો ખેલ શરૂ થાય છે. જાે એ જ સિક્યુરિટી ગાર્ડ રાખીને બીજા આઠ કલાક નોકરી કરે તો તેને ૮૦૦૦ ને બદલે દસ હજાર આપવામાં આવે છે અને તે બીજા આઠ કલાક એટલે કે ૨૪ કલાક નોકરી કરે તો તેને ૧૨ હજાર રૂપિયા સુધીનું વેતન આપવામાં આવે છે. એટલે એક ગાર્ડ પાછળ ૨૪ કલાક માટે કોર્પોરેશન અંદાજે ૩૭,૦૦૦ કરતા વધારે ચુકવણી કરે છે. અને સિક્યુરિટી ગાર્ડને માત્ર ૧૨,૦૦૦ જેટલું જ વેતન મળે છે. બાકીના રૂપિયાની ખાઈકી જે પ્રમાણે આક્ષેપ થાય છે તે મુજબ શક્તિ પ્રોજેક્ટ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની શાસકો અને ચીફ સિક્યુરિટી અધિકારીને ભાગ બટાઈમાં આપવામાં આવે છે. ઘણી જગ્યાએ તો સિક્યુરિટી ગાર્ડ હોતા નથી. અને માત્ર રૂપિયાની વસૂલાત જ થઈ જતી હોય છે પરંતુ આ સિક્યુરિટી એજન્સીઓ ઉપર મોટાં નેતાઓનો હાથ હોવાને કારણે વર્ષોથી આ કૌભાંડ થતું આવ્યું છે હજી સુધી તેના ઉપર કોઈ રોગ લગાવી શક્યો નથી.
તપાસ કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પહોંચ્યા ત્યારે બે સિક્યુરિટી ગાર્ડે કબૂલાત કરી કે,અમને ૨૪ કલાક માટે માત્ર ૧૨ થી ૧૩ હજાર રૂપિયા જ આપવામાં આવે છે. એમાં વધારે જાે ઉંમર હોય તો ૮૦૦૦ રૂપિયા જેટલા જ આપવામાં આવે છે. ૨૪ કલાક એક એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી શક્તિ પ્રોટેક્ટ સિક્યુરિટી એજન્સી ગાર્ડના નામના રૂપિયાની ખાયકી કરી રહ્યું છે. કેમેરા સામે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કબુલ કરવામાં આવ્યા બાદ જ્યારે કોર્પોરેટર જઈ રહ્યા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે અમે આવી કબુલાત કરી છે એવી તમે કોઈને જાણ કરશો તો અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને અમને ધમકી આપવામાં આવશે આ પ્રકારનો માહોલ સિક્યુરિટી ગાર્ડ સાથે સિક્યુરિટી એજન્સી કરી રહી છે.
