પ્રયાગરાજ, તા.૨૯
પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારા પર થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૩૫થી ૪૦ સુધી પહોંચી ગયો છે. આ આંકડો વધુ વધી શકે છે. સરકારે ૧૭ કલાક પછી મહાકુંભ મેળામાં ભાગદોડમાં ૩૦ લોકોના મોતની પુષ્ટિ કરી છે જેમાં એક ગુજરાતી છે. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું- મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા. આમાંથી ૨૫ લોકોની ઓળખ થઈ ગઈ છે. ૯૦ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેરિકેડિંગ તૂટવાથી નાસભાગ મચી ગઈ.
મંગળવારે રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે આ અકસ્માત થયો હતો. સંગમ કિનારે લોકો મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે રાહ જાેઈ રહ્યા હતા ત્યારે આ નાસભાગ મચી ગઈ. આ અકસ્માત શા માટે થયો તેનું કારણ બહાર આવ્યું નથી. રાજ્ય સરકારે પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
દુર્ઘટના બાદ ૭૦થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે એ માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મહત્ત્વપૂર્ણ અપીલ કરી હતી. સીએમ યોગીએ એક ટિ્વટ કરતાં કહ્યું કે શ્રદ્ધાળુઓને મારો અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા ર્નિદેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે.
આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે ૫ કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મોડીરાત સુધીમાં ૮થી ૧૦ કરોડ ભક્તો સંગમ સહિત ૪૪ ઘાટ પર સ્નાન કરે એવી શક્યતા છે.
આના એક દિવસ પહેલાં મંગળવારે ૫.૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષા માટે ૬૦ હજારથી વધુ જવાનો તહેનાત છે.
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, અરાજકતાને કારણે મૃત્યુ થયા છે. આમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે ૯૦ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ૨૫ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.
ડીઆઈજીએ મીડિયાને જણાવ્યું કે, મેળામાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ઘાટ પર કેટલાક બેરિકેડ તૂટી ગયા હતા, જેના કારણે જમીન પર સૂતા કેટલાક ભક્તો ગભરાઈને ઉપર ચઢી ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકો મૃત્યુ પામ્યા. ૨૯ જાન્યુઆરીએ સરકારે કડક સૂચના આપી હતી કે કોઈ વીઆઇપી પ્રોટોકોલ રહેશે નહીં. કોઈ વીઆઇપી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે તેઓ આવેલા ભક્તોને પાછા મોકલવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે.
