સુરત, તા.૨૬
સુરતમાં મેઘરાજા સતત ચોથા દિવસે પણ મન મૂકીને વરસી રહ્યો છે. વરાછામાં સવારથી ૫ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલી પૂર્વી સોસાયટી પાસે રોડ પર ગોઠણસમા પાણીમાં લોકો જઈ રહ્યા છે. સીમાડા વિસ્તારમાં ખાડીપૂરના પ્રકોપે વેપારીઓને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે વરાછા અને સરથાણામાં સવારથી બપોર સુધીમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે અને નાના વરાછાની ચીકુવાડી ખાતે બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે એ સરખી રીતે કરવામાં આવી ન હતી. એના કારણે વરસાદ થયો, પાણીનો નિકાલ થવો જાેઇએ એ થયો નહોતો અને રસ્તાઓ પર પાણી ભરાવાનાં શરૂ થઈ ગયાં હતાં. જાે પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રીમોન્સૂન કામગીરી સરખી રીતે કરવામાં આવી હોત તો આ પાણી ભરાવાની નોબત જ આવી ન હોત અને લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો ન આવ્યો હતો, તેથી પાલિકાની બે હાથ જાેડીને વિનંતી છે કે હવે કામગીરી સરખી રીતે કરવામાં આવે અને આજે લોકોને આર્થિક નુકસાન થયું છે તેમને સહાય પણ કરવામાં આવે.
શહેરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે શહેરના રિંગ રોડ સ્થિત આવેલી ટેક્સટાઈલ માર્કેટની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં, જે પૈકી રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલો માલ પલળી ગયો હતો. એના પગલે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે મોટા ભાગની સાડીઓ પલળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ સાડીઓના માર્કેટમાં તેજીનો માહોલ છે, જેના કારણે મોટા ભાગના વેપારીઓએ પોતાની દુકાનોમાં મોટા પ્રમાણમાં માલ ભરીને રાખ્યો હતો. વેપારીઓને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિતનાં રાજ્યોમાંથી સાડીના મોટા ઓર્ડરો મળ્યા હતા, જાેકે વરસાદી પાણીના કારણે સાડીનો માલ પલળી જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એને પગલે વેપારીઓ દુ:ખી જાેવા મળ્યા હતા. વેપારીઓ પલળી ગયેલા સાડીના જથ્થાને બહાર કાઢી રહ્યા છે અને નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે.
આ ઘટનાથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.વર્ષોથી સુરતના સીમાડા વિસ્તારમાં ખાડીપૂરનો પ્રશ્ન વણઉકેલ્યો છે. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડે છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર મુલાકાત લઇને જતા રહે છે, પરંતુ નુકસાનીના વળતર અંગે કોઈ નક્કર પગલાં લેવાતાં નથી.
