સુરત, તા.૨૬
સુરત શહેરમાં ફરી એકવાર પૂર બાદ કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થતાં હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. લોકોના ઘર, દુકાનોમાં પાણીનો ભરાવો થયાં બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે. તેનો હજુ નિકાલ થતો ન હોવાથી હવે રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની ફરિયાદ છે કે કચરા અંગેની અનેક ફરિયાદ છે, પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો લઈ જતા નથી તેથી કચરો વાસ મારી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા રહેલી છે.
ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી નબળી હોવાના કારણે સુરતમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદ અને પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો. આ પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં અનાજ અને અન્ય વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી. પાલ અને પાલનપોર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે પાણીના નિકાલ માટે કામગીરી માટે તંત્રની નિષ્ફળતાના કારણે લોકોમાં ૩૬ કલાક કરતા વધારે સમય પાણીનો ભરાવો રહ્યો હતો. પાલ પાલનપોરની જેમ જ વરાછા તથા અન્ય વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો હતો. ત્યાંથી પણ મોટી માત્રામાં કચરો નીકળ્યો છે તે કચરો લોકોએ ઘર બહાર, સોસાયટી બહાર અને જાહેર રોડ પર ઢગલો કર્યો છે. બે દિવસથી આ કચરાનો ઢગલો હોવા છતાં તેનો પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી.
પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓને વારંવાર ફોન કરવામાં આવે છે. પરંતુ તેઓ ફોન રિસિવ કરતા નથી કે કોઈ જવાબ આપતા નથી. બીજી તરફ ડોર ટુ ડોરનો કચરા માટે ગાડીઓ આવે છે તે ગાડીઓ પણ આ કચરાનો નિકાલ કરતી નથી. જેના કારણે કચરો સડી રહ્યો છે અને હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. જાે પાલિકા તંત્ર આ કચરાનો નિકાલ ન કરે તો રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
