તેલ અવિવ, તા.૨૮
ઈઝરાયેલે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઈઝરાયેલની એજન્સીઓએ અમેરિકાને પણ જાણ કર્યા વગર ખામનેઈને બોમ્બથી ઉડાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. એ વાત હવે ઈઝરાયેલે ખુદ કબૂલી છે.ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી કેટ્ઝે દાવો કર્યાે કે અમે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈને શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ ક્યાંય ભાળ મળી નહીં. જાે એ મારી નજરે ચડયા હોત તો અમે એને ચોક્કસ ઠાર મારી દેત. એ જ અમારું આયોજન હતું. ખામનેઈને એ બાતમી મળી ગઈ હતી એટલે તેમણે બંકરમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો. જાે ક્યાંક બહાર છુપાયા હોવાની બાતમી મળી હોત તો અમે તેમને ઉડાવવા માટે આખી બિલ્ડિંગ ઉડાવી દીધી હોત.ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યાે કે ખામનેઈએ છેલ્લે છેલ્લે તો તેમના કમાન્ડર્સનો પણ સંપર્ક કરવાનું બંધ કરી દીધું.
તેમનું પગેરું મેળવવાનું અશક્ય બની ગયું એટલે અમે તેમને આખરે છોડી દેવાનો ર્નિણય કર્યાે. તેમણે ઉમેર્યું કે ખામનેઈને મારવા માટે ઈઝરાયેલને અમેરિકાની પરવાનગીની જરૂર ન હતી. અમારે આવી બાબતોમાં અમેરિકાને જણાવવાનું હોતું નથી.ઈઝરાયેલે એવુંય કહ્યું કે સંઘર્ષવિરામ થઈ ચૂક્યો હોવાથી હવે ખામનેઈને મારવાની કોશિશ નહીં થાય, તેમ છતાં ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી કે તેઓ બંકરમાં રહે એ રસ્તો જ સૌથી સુરક્ષિત છે. તેમણે બંકરમાં જ સલામત રહેવું જાેઈએ.
