સુરત, તા.૨૮
સુરતમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના હવાલા-યુએસડીટી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોથા દિવસે પણ દરોડા યથાવત્ રહ્યા હતા. આ કેસમાં માત્ર ગેરકાયદે ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર સાથોસાથ આંગડિયાની સ્લિપ અને આંગડિયાના ટોકન તરીકે ૧ અને ૧૦ની નોટના ફોટા જે હવાલામાં વપરાય છે, એની પણ તપાસ એજન્સીઓ માટે રહસ્યમય સંકેત બનીને સામે આવી છે, જેને ડીકોડ કરવાના પ્રયાસ ઈડી દ્વારા ચાલુ છે. આ કૌભાંડના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે.
સુરત, અમદાવાદ અને મુંબઈમાં ઈડી દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવા, ખાસ કરીને વ્હોટ્સએપ ચેટ્સ અને ક્રિપ્ટોકરન્સી એપ્લિકેશન્સ આ સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ કરી રહ્યા છે, જેની સતત તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી મકબૂલ ડોક્ટર સહિત ચાર આરોપીનાં ઘરે અને ઓફિસે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારસુધીમાં ઈડીને ૨૭ બેંક એકાઉન્ટ અને ૫૦૦થી વધુ સિમકાર્ડ મળ્યાં છે. બે કરંટ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદેશ ટ્રાન્સફર થયેલા રૂપિયા અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં ઈડીની તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળી આવેલી વ્હોટ્સએપ ચેટ્સ અને યુએસડીટી ટ્રાન્ઝેક્શન્સ છે. મકબૂલ ડોક્ટરના આઈ ફોનમાંથી યુએસડીટી લે-વેચના સ્ક્રીનશોટ, બેંક ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ, વોલેટ એડ્રેસના સ્ક્રીનશોટ તેમજ અલગ-અલગ વ્યક્તિઓના પાસપોર્ટ અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન તથા અફઘાનિસ્તાન દેશની નેશનલિટીવાળા યુએઈના રેસિડેન્ટ કાર્ડ્સ મળ્યાં છે. તેના વ્હોટ્સએપમાં અલગ-અલગ મોબાઈલ નંબર સાથે યુએસડીટી લે-વેચ બાબતે વાતચીત થયેલી જણાઈ છે. મકબૂલ ડોક્ટર તેની માલિકીની ઓફિસમાં ઓનલાઈન ટ્રાવેલિંગ બુકિંગની આડમાં તે, તેના પુત્રો કાસીફ અને બસ્સામ તેમજ માસિક ૨૦,૦૦૦ના પગાર પર રાખેલા માઝ અબ્દુલરહીમ નાડા, મુર્તુઝા ફારુક શેખ મારફત લોકોને લોભ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ ફેક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હતા અને દરેક એકાઉન્ટ હોલ્ડરને ૧૦થી ૧૨ હજાર સુધીનું કમિશન મળતું હતું. ત્યાર બાદ આ રૂપિયાને યુએસડીટીમાં ફેરવીને દુબઈ સહિતના દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. વિદેશી ટ્રાન્ઝેક્શનને કારણે ઈડીએ આ કાર્યવાહીમાં દાખલ કરી છે. આરોપીઓ હાલ જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં ઈડ્ઢ દ્વારા સઘન તપાસ ચાલુ છે. ઈડી દ્વારા સોમવાર સુધી તપાસ ચાલુ રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન બહાર આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસનો વ્યાપ વધી શકે છે. સમગ્ર કૌભાંડમાં વ્હોટ્સએપ ચેટ્સ અને યુએસડીટી ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અ ઈડીની તપાસના અંતે જ સ્પષ્ટ થશે.
