સુરત, તા.૨૯
આજે રવિવાર હોવાથી સુરતીઓ મોટા પ્રમાણમાં મોજ મજા માણવા માટે નીકળી પડતા હોય છે ત્યારે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનો ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા જતા હોય છે. કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાસાઈ થયો હતો. કિકેટ રમી રહેલા યુવાનો એ શેડને પકડી રાખીને ઉભા રહ્યા હતા. ફાયર વિભાગની આ અંગે જાણ થતા દોડી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા એસઆરકે કોમ્પલેક્ષની બાજુમાં ધ ડોટબોલ નામનું ક્રિકેટ બોક્સ આવેલું છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં યુવાનો આ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે આવ્યા હતા. આજે બપોર બાદ યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે ભારે પવનના કારણે આ ક્રિકેટ બોક્સનું શેડ તૂટી પડ્યો હતો. શેડ તૂટી પડતા અફરાતફરીના માહોલ સર્જાઈ ગયો હતો. ક્રિકેટ રમી રહેલા યુવાનોમાં ભાગદોડ મચી ગઈ હતી અને શેડ માથે ન પડે તે માટે બહાર નીકળવા માટે દોડાદોડી કરી મૂકી હતી.
આ દરમિયાન બહાર નીકળી ગયેલા યુવાનોએ આ તૂટી પડેલા શેડ ને પકડી રાખ્યો હતો. એક યુવાનના ખભા પર એ શેડનો પાઇપ આવી ગયો હતો. તમામ યુવાનોએ ભેગા મળીને શેડને ઉંચો કરીને યુવાનને બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી, કતારગામ ફાયર સ્ટેશનના જવાનો ફાયર ઓફિસર રમેશ ટેલર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જાેકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ આ તૂટી પડેલા છે નીચેના તમામ લોકો બહાર નીકળી ગયા હતા. યુવાનોના મોબાઈલ ફોન, ચાવીઓ સહિતનો સામાન શેડની નીચે આવી ગયો હતો. જેમને ફાઈલ વિભાગ દ્વારા બહાર કાઢવાની રજૂઆત કરવામાં આવતા તેમને તમામ ચીજવસ્તુઓ બહાર કાઢી આપી હતી. આ સાથે જ એક યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી, જે સ્વસ્થ થતા ઘરે જતો રહ્યો હતો.
