સુરત, તા.૨૯
સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડીપૂરનો સામનો કરી ચૂકેલા શહેરીજનો હવે રસ્તાઓ પર પડેલા ખાડાની સમસ્યાથી પરેશાન બન્યા છે. સ્માર્ટ સિટી સુરતના પાંડેસરા, ઉધના, ડીંડોલી વિસ્તારના રસ્તાઓ ધોવાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. બિસ્માર રસ્તાઓના કારણે હાલ શહેરીજનોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે.
સ્માર્ટ સિટી સુરતમાં એક તરફ મેટ્રો સહિતની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓની હાલત બગડી ચૂકી છે. શહેરના પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારના રસ્તાઓ પર ગણ્યા ગણાય નહીં એટલા ખાડાઓ પડી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરતના રસ્તાઓ પર શહેરીજનો હાલ અન્ય ગ્રહ જેવો અનુભવ કરી રહ્યા છે.
શહેરમાં ધોધમાર વરસાદ અને ખાડીપુરના કારણે રસ્તાનો વિકાસ ધોવાઈ ગયો છે. દરેક વિસ્તારમાં રસ્તામાં ખાડાઓ જાેવા મળે છે ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં સૌથી વધારે હેવી વ્હિકલ પસાર થાય છે ત્યાં પાંડેસરા, ઉધના, સચિન સહિતના વિસ્તારોમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે..લગભગ ૩ ઈંચથી અડધા ફૂટ સુધીના ઊંડા ખાડાઓ હાલ રોડ પર જાેવા મળી રહ્યા છે. દર વર્ષે તંત્ર દ્વારા “આ વર્ષે વરસાદમાં ખાડાઓ નહીં પડે” તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે. તંત્ર દ્વારા હાલ “સતત પડેલા વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે” તેવું બહાનું આપવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.
દરેક ખાડા પરથી જ્યારે વાહનો પસાર થાય છે, ત્યારે એક એક ખાડો મુશ્કેલી ઊભી કરે છે. વાહનચાલકોને ખાડાઓથી બચવા માટે સતત કસરત કરવી પડી રહી છે.જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયાથી શહેરીજનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતા તંત્રને આ ખાડાઓ કેમ દેખાતા નથી તેને લઈ પણ સવાલો ઉઠ્યા છે.
