સુરત, તા.૨૧
સુરતના નવસારી રોડ પર આવેલા લાજપોર ગામમાં ખાણીપીણીની હોટલો અને ખાસ કરીને નોનવેજ રેસ્ટોરાંની વધતી સંખ્યા વચ્ચે, ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સચિન પોલીસ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્તપણે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા દરોડાથી હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ચેકિંગ દરમિયાન લાજપોરની સાત નોનવેજ હોટલોમાંથી ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા, જે ગુણવત્તા પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નમૂનાઓના પરિણામો આવ્યા બાદ જાે કોઈ હોટલમાં ગેરરીતિ જણાશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગે પણ હોટલો અને લારીઓ આસપાસની અસ્વચ્છતા અંગે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક સુધારાના આદેશ આપ્યા હતા. અસ્વચ્છતા ફેલાવતી હોટલો અને લારીઓ પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
લાજપોર હાઈવે પર આવેલી અનેક હોટલો અને ચાઈનીઝ કેન્ટીનો દ્વારા રોડની જગ્યા પર કરાયેલા ગેરકાયદે દબાણોનો પણ પર્દાફાશ થયો હતો. તંત્ર દ્વારા આવા હોટલ માલિકોને ૧૫ દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જાે આ સમયમર્યાદામાં દબાણ દૂર નહીં થાય, તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને દબાણો બળજબરીપૂર્વક હટાવવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.
આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન લાજપોર ગામના સરપંચ બસીર ભાઈ અને તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન બુલબુલિયા પણ હાજર રહ્યા હતા. તેમણે આ અભિયાનને આવકારીને ગામની સ્વચ્છતા અને જનતાના આરોગ્યની સુરક્ષા માટે આવા પગલાંને આવશ્યક ગણાવ્યા હતા. સરપંચ બસીર ભાઈએ જણાવ્યું કે, ‘અમારા ગામમાં ખાણીપીણીની હોટલો સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડે તે અમારી પ્રાથમિકતા છે. આવા ચેકિંગથી લોકોનો વિશ્વાસ વધશે. સ્થાનિક રહેવાસીઓએ પણ આ કાર્યવાહીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એક સ્થાનિકે જણાવ્યું, “અહીં નોનવેજ હોટલો ઘણી છે, પરંતુ ઘણીવાર ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે શંકા રહેતી હતી. આવા ચેકિંગથી ગ્રાહકોને ર્નિભય થઈને ખોરાક લેવાનો વિશ્વાસ મળશે.” સચિન પોલીસે આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
પોલીસે હોટલ માલિકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગેરકાયદે દબાણ અને અસ્વચ્છતા કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં પણ આવા સરપ્રાઈઝ ચેકિંગ નિયમિતપણે ચાલુ રહેશે, જેથી ખાણીપીણીની હોટલોમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે અને ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે પણ વધુ કડક પગલાં લેવામાં આવશે.
