દીર અલ બલાહ, તા.૨૧
ગાઝામાં ઓક્ટોબર ૨૦૨૩થી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત નજીકમાં આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી. ગાઝામાં હવે જમીન ઉપરના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગાઝામાં ફૂડ પેકેટની વાટ જાેઈ રહેલા લોકો ઉપર ગોળીબાર કરતાં ૮૫ પેલેસ્ટેનિયનનાં મોત નિપજ્યા હતા. ગાઝાના આરોગ્ય વિભાગના મતે ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ગાઝાને ખંઢેરમાં ફેરવી દેવાયા બાદ પણ ઈઝરાયેલના સતત હુમલા યથાવતછે. અગાઉ ગાઝા સાથે સીઝફાયરની અનેક પ્રયાસો થયા પરંતુ દરેક વખત ઈઝરાયેલે હુમલો કરીને તેને નિષ્ફળ બનાવ્યા છે. ઉત્તર ગાઝામાં ઈઝરાયેલ સાથે જાેડાયેલી ઝીકીમ સરહદથી આવી રહેલી રાહત સામગ્રીની રાહ જાેઈ રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરાતા ૬૭નાં મોત થયા હતા. ઉત્તર ગાઝામાં આ સૌથી વધુ ખુંવારીનો આંક રહ્યો છે.
આ ગોળીબાર ઈઝરાયેલના લશ્કરે કર્યાે કે કોઈ સશસ્ત્ર ગેંગ કે બંનેએ કર્યાે હતો તે સ્પષ્ટ થયું નથી. ઘટનાના કેટલાક સાક્ષીઓના મતે ઈઝરાયેલના લશ્કરે હુમલો કર્યાે હતો.ગાઝામાં રાહત કેમ્પમાં વસતાં લોકોને ઈઝરાયેલ-યુએસ સમર્થિત જૂથ ગાઝા હ્યુમેનિટેરિયન ફંડ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવે છે. આ જૂથ ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે.
વિતરણ કેન્દ્ર પર ફૂડ પેકેટની રાહ જાેઈ રહેલા લોકો પર ગોળીબાર કરાતા અફરાતફરી મચી ગઈ હતી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સતત રટણ કરી રહ્યા છે કે ગાઝા પર લશ્કરી કાર્યાવાહીથી હમાસ ઉપર વાટાઘાટોનું દબાણ આવશે. જાે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વાતચીત ટળી રહી છે.ઈઝરાયેલ સૌપ્રથમ વખત ગાઝા પટ્ટીના મધ્ય ભાગમાં જમીન માર્ગે સૈન્ય કાર્યવાહી કરશે.
દીર અલ બલાહમાં વસતા પેલેસ્ટેનિયનોને સ્થળ ખાલી કરવા અને તમામને દક્ષિણ ભાગે આવેલા મુવાસીમાં રાહત છાવણીઓમાં જવા આદેશ અપાયો છે. ઈઝરાયેલ લશ્કરના પ્રવક્તા અવિહાય અદ્રેઈએ જણાવ્યું કે, લશ્કર સૌપ્રથમ વખત ગાઝાના મધ્ય ભાગમાં જમીન માર્ગે આક્રમક હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યું છે. હમાસે ૨૦૨૩માં ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ બંધકોને અહીં રખાયા હોવાની આશંકા છે. કતારમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ચાલી રહેલી મંત્રણા વચ્ચે ઈઝરાયેલે આ ચેતવણી આપી છે.
