સુરત,તા.૨૦
સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે પોલીસ કાફલો દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો, તે દરમિયાન એક દુકાનદાર સાથે પોલીસે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દુકાનદાર સાથે સામાન્ય રકઝક કરવાને બદલે પાવર બતાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. દુકાનદારે આક્ષેપ કર્યો છે કે તે નિયમ મુજબ જ કામ કરી રહ્યો હતો, છતાં પોલીસે કારણ વગર તેની સાથે દુર્વ્યવહાર કર્યો. હાલ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા થયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ કર્મચારીઓનું આવું વર્તન સામાન્ય જનતામાં ભય અને અસંતોષ પેદા કરી રહ્યું છે.
તો સુરતના કિસ્સામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબિ ખરડાઈ છે. વીડિયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જાેઈ શકાય છે, જેને પગલે હવે પોલીસબેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પીડિત રાજુ લોહાર નામના દુકાનદારે જણાવ્યું કે ૧૧:૩૦ની આસપાસ પીસીઆર આવી હતી અને પોલીસે સીધી અંદર આવીને મારામારી કરી દીધી. મેં સાહેબને કહ્યું કે સાહેબ આવી રીતે ડાયરેક્ટ મારવાની જરૂર નહોતી. એટલામાં અમને ખેંચીને લઈ ગયા. પહેલા મને ખેંચ્યો પછી લાફો માર્યો હતો. દુકાનમાં આવતા કહ્યું કે બંધ કરવાનો ઓર્ડર છે પછી મેં કહ્યું કે મને નહોતો ખ્યાલ કાલથી ૧૧ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી દઈશ. મારે મોટાભાગે પોલીસની જ ઘરાકી છે, હવે ખબર નહીં તેમણે તે સમયે શું પ્રેશર હશે એ કંઇ ખબર નથી. આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ કયા સંજાેગોમાં બન્યો અને તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જાે તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે, તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.









