બૂટલેગરે પૂછ્યું, તમને શું નડે છે? ને પિત્તો ગયો, ટબમાં
ભરેલી દારૂની પોટલીઓ ઊંચકીને બહાર ફેંકી દીધી
સુરત, તા.૨૬
સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જાેયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જાેખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે ‘તમને શું નડે છે?‘ કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જાેડાઈ હતી, જેના પગલે પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ પુરજાેશમાં ચાલતું હતું. દારૂ પીવા આવતાં અસામાજિક તત્ત્વોને કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ ભારે પરેશાની ભોગવી રહી હતી. દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા માટે સમજાવવા ગઈ ત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈ બતાવતાં કહ્યું, ‘અહીં દારૂ વેચાય તો તમને શું પ્રોબ્લેમ છે? તમને શું નડે છે?‘ આ સાંભળતાં જ મહિલાઓનો સંયમ તૂટ્યો હતો. અચાનક જ મહિલાઓનું ટોળું અડ્ડાની અંદર ઘૂસી ગયું હતું અને સાહસ બતાવી જનતા રેડ કરી હતી.
રાત્રિના અંધારામાં જ્યારે ગ્રાહકોની અવરજવર ચાલુ હતી ત્યારે મહિલાઓએ અડ્ડા પર હુમલો કર્યો હતો. એક મહિલાએ ગુસ્સામાં આવીને ટબમાં ભરેલી દારૂની પોટલીઓ ઊંચકીને ફેંકી દીધી હતી અને દારૂનો નાશ કર્યો હતો. મહિલાઓના આ આક્રમક તેવર જાેઈને દારૂ વેચનારાઓ અને પીનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ જનતા રેડનું સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી દૃશ્ય એ હતું કે એક મહિલા પોતાના નાના માસૂમ બાળકને તેડીને પણ આ સાહસિક અભિયાનમાં જાેડાઈ હતી. આ દૃશ્ય દર્શાવતું હતું કે મહિલાઓ પોતાના પરિવાર અને સંતાનોના ભવિષ્યને બચાવવા કેટલી હદે મક્કમ છે. જ્યારે મહિલાઓનું ટોળું અડ્ડા પર પહોંચ્યું ત્યારે ત્યાં રાત્રિના અંધારામાં દેશી દારૂનું વેચાણ પુરજાેશમાં ચાલી રહ્યું હતું. જનતા રેડ બાદ પાલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમયે સ્થાનિકોએ પોલીસ સામે પોતાનો રોષ ઠાલવતાં કહ્યું હતું કે ‘અમે ઘણા સમયથી આ બાબતે લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છીએ, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયાં નહોતાં, જેના કારણે અમે જ જનતા રેડ કરી છે.









