સુરત, તા.૨૨
સુરત મહાનગરપાલિકાના જળ પુરવઠા વિભાગ દ્વારા ઇન્ટેકવેલની કામગીરી માટે નદીની વચ્ચે રેતી અને માટીનો મોટો પાળો બનાવી દેવાતા તાપી પાળા પેટા વિભાગ દ્વારા પાલિકાના કાર્યપાલક ઇજનેરને કડક નોટિસ ફટકારવામાં આવી છે. શહેરની જીવાદોરી સમાન તાપી નદીના અસ્તિત્વ અને તેના કુદરતી વહેણ સાથે ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના જળ પુરવઠા વિભાગ દ્વારા ઇન્ટેકવેલની કામગીરી માટે નદીની વચ્ચે રેતી અને માટીનો મોટો પાળો બનાવી દેવાતા ‘તાપી પાળા પેટા વિભાગ‘ (સિંચાઈ વિભાગ) દ્વારા પાલિકાના કાર્યપાલક ઇજનેરને કડક નોટિસ ફટકારવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે તાપી નદીમાં નવા ઇન્ટેકવેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને સરળ બનાવવા માટે પાલિકાના અધિકારીઓએ નદીના વહેણની વચ્ચે જ રેતી અને માટીનો મોટો પાળો ઉભો કરી દીધો છે. નિયમ મુજબ, નદીમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે વહેણ રોકવા માટે સિંચાઈ વિભાગની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે, પરંતુ પાલિકાના અધિકારીઓએ આવી કોઈ જ પરવાનગી મેળવવાની તસ્દી લીધી નહોતી.
તાપી પાળા પેટા વિભાગે પોતાની નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે નદીમાં બનાવેલો આ પાળો કુદરતી જળ પ્રવાહને અવરોધે છે, જે ચોમાસા દરમિયાન કે વધુ પાણી છોડવામાં આવે ત્યારે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે.ઇન્ટેકવેલની કામગીરી માટે સિંચાઈ વિભાગ પાસેથી ટેકનિકલ મંજૂરી લેવામાં આવી નથી.પાલિકાના અધિકારીઓએ પર્યાવરણ અને નદીની સુરક્ષાના નિયમોને નેવે મૂકીને આ કામગીરી શરૂ કરી દીધી છે. સિંચાઈ વિભાગે આદેશ આપ્યો છે કે નદીમાં બનાવેલો રેતી-માટીનો પાળો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. જે પણ નવી કામગીરી કરવી હોય તે માટે પહેલા યોગ્ય પરવાનગી લેવી પડશે. નોટિસમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે, “જાે આ મામલે કોઈ ચૂક થશે અથવા ભવિષ્યમાં નદીના પ્રવાહને કારણે કોઈ હોનારત કે પ્રશ્ન ઉપસ્થિત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સુરત પાલિકાના જે-તે વિભાગની રહેશે.









