સુરત, તા.૧૯
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે ૧૧,૧૭,૮૮૨ મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં.
આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૨૫,૦૫,૩૧૧ મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૧,૧૭,૮૮૨ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપીંગ બાકી છે. જાતિવાર વિગતોમાં ૧૮,૭૮,૯૪૯ પુરૂષ મતદારો, ૧૭,૪૪,૧૪૪ સ્ત્રી મતદારો અને ૧૦૦ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના ૧૨,૫૦,૩૧૯ જેટલા ઇએફએસ ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી.જેથી રદ કરાયા છે.
મેપીંગ ન થયેલા ૧૧,૧૭,૮૮૨ મતદારો માટે હવે નોટીસનો તબક્કો ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટીસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ, પ્રતિદિન ૫૦ લોકોને એક બીએલઓ નોટીસ આપશે. આ મતદારોએ નોટીસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ જ તેમનું નામ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. જે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે, તેમના માટે આવતીકાલ એટલે કે શનિવારથી ફોર્મ ૬ અને ફોર્મ ૮ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.










