સુરત, તા.૨૫
નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ પ્રત્યેનું વધતું આકર્ષણ અને તેનાથી ઉદ્ભવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ એક ચિંતાજનક વિષય બન્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. સુરત જિલ્લાની શાળાઓમાં ‘સુગર બોર્ડ’ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરાયેલા ‘સુગર બોર્ડ’ એ એક ચાર્ટ છે જે બાળકોમાં અતિપ્રિય બિનઆરોગ્યપ્રદ ખોરાકમાં રહેલું સુગરનું પ્રમાણ દર્શાવે છે.
આ સુગર બોર્ડને શાળાઓમાં એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જ્યાં બાળકો દરરોજ તેને જાઈ, વાંચી અને આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી કરી શકે. આનાથી તેઓ આરોગ્ય સાથે સંકળાયેલા જાખમો વિશે સરળતાથી જાણકારી મેળવી શકશે.
સુરતના ડીઇઓ ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજકાલ બાળકોમાં અતિપ્રિય બની રહેલા જંક ફૂડ, ઠંડા પીણાં, ચોકલેટ્સ વગેરેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ પુષ્કળ હોય છે. આ બિન આરોગ્યપ્રદ ખોરાક અનેક બિમારીઓનો ‘એન્ટ્રી પાસ’ સમાન છે. દૈનિક જીવનમાં વધુ પડતી ખાંડ કે મીઠાશના સેવનથી નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે ૪થી ૧૦ વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં ૧૩% જેટલી અને ૧૧થી ૧૮ વર્ષની વયના બાળકો ૧૫% જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. જ્યારે ખાંડનો ઉપયોગ દૈનિક કેલરીના ૫%થી વધુ ન હોવો જાઈએ. શાળામાં સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે.
બાળકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા તેમજ ખોરાકની સાચી પસંદગી કરવા હેતુસર સુગર બોર્ડની રચના ઉપરાંત, જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રાર્થના સભામાં વક્તવ્ય, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ સુગર ચાર્ટ નિર્માણ સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને વધુ પડતી ખાંડના સેવનના જાખમો, દૈનિક ખાંડનું સેવન કેટલું હોવું જાઈએ. સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ અને આરોગ્યપ્રદ આહાર જેવી આવશ્યક માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
