સુરત, તા.૨૩
સુરતના વરાછા વિસ્તારમાં ઝોન ૧ ન્ઝ્રમ્ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી ડુપ્લીકેટ બાગબાન તમાકુ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વરાછા વિસ્તારમાં આવેલા તિરૂપતિનગરમાં એક મકાનના પહેલા માળે દરોડો પાડ્યો હતો અને એક આરોપીને ડુપ્લીકેટ બાગબાનની તમાકુ બનાવતા ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વરાછાના એલએચ રોડ પર આવેલા તિરૂપતિનગર સોસાયટીના પ્લોટ નં. ૪૭ના પહેલા માળે ૨૨ દિવસથી ચાલતી ડુપ્લીકેટ બાગબાન તમાકુ બનાવતી ફેક્ટરીમાંથી પોલીસે રૂપિયા ૨.૧૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હર્ષદ દલસુખભાઈ કાછડીયા (ઉ.વ. ૩૫, રહે. ઘર નં. ૧૦૮, પહેલા માળે, સાંઈ દર્શન સંકુલ રેસિડેન્સી, રામચોક, મોટા વરાછા, ઉતરાણ, સુરત, મૂળ વતન. નેસડી ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) નામના આરોપીની ધરપકડ કરી છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આ કારખાનું છેલ્લા ૨૨ દિવસથી ચાલતું હતું. પોલીસને ગુપ્ત બાતમી મળતા જ કંપનીના પ્રતિનિધિઓ સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હર્ષદ કાછડીયા અગાઉ પણ ડુપ્લીકેટ વસ્તુઓ બનાવવામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તે સરથાણા વિસ્તારમાં જુગાર રમતા પણ પકડાયો હતો. જે દર્શાવે છે કે, તેનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આ રેકેટમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ સાથે જ ડુપ્લીકેટ બાગબાન તમાકુનો છેલ્લા ૨૨ દિવસમાં વેચાણ ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
