સુરત, તા.૨૨
ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ ૧૫૯ શાળાઓને ગઇકાલે(૨૧ જુલાઈ) મોડી રાત્રે ધમકીભર્યા ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને ‘બ્લડ બાથ‘ (મોટો સંહાર) નો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ હતી. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે મંગળવારે રાત્રે ૧૨:૫૯ વાગ્યે ર્ંેંદ્ઘટ્ઠષ્ઠાીઙ્ઘ૫૦.જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ નામના મેલ આઇડી પરથી ૧૫૯ શાળાઓને એકસાથે ઈ-મેલ કરવામાં આવ્યા હતા. આમાં સુરત, ગુજરાત સહિત ભારતભરની શાળાઓ સામેલ છે. તમામ શાળાઓના ઓફિશિયલ મેલ આઇડી પર આ ધમકીભર્યા મેલ આવ્યા હતા, જેમાં “શાળાઓમાં બોમ્બ અને બ્લડ બાથ” હોવાની વાત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક બંને શાળાઓએ પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે શાળાઓને ખાલી કરાવી, બાળકો અને શિક્ષકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે. પોલીસને ધમકી આપનાર મેલ આઇડી મળી ગઈ છે અને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈ-મેલ પાછળ કોનો હાથ છે અને તેનો ઇરાદો શું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને શાળાઓની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આજે(૨૨ જુલાઈ) વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને એક અનામી ઈ-મેલ મળ્યો હતો, જેમાં એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેલ મળતાની સાથે જ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તાત્કાલિક અસરથી અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સીઆઇસીએફ સહિતની સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટના સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર, કાર્ગો સેક્શન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જાેકે, રાહતની વાત એ છે કે, કલાકોની સઘન તપાસ બાદ પણ સુરક્ષા એજન્સીઓને એરપોર્ટ પરથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
