સુરત, તા.૨૩
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂ. ૨૫.૫૭ કરોડનું ૨૪.૮૨૭ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી ૧૦ જપ્તીઓમાંની એક છે. આ દાણચોરીનું સોનું પેન્ટ, અંડરગાર્મેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું અને આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેની પત્ની ડોલી ધોળકિયા (રે.સંસ્કાર રેસિડેન્સી, કોસાડ, અમરોલી) સંડોવાયેલાં હોવાનું સામે આવ્યું છે. નવાઇની વાત એ છે કે એરપોર્ટ પરથી દાણચોરી સીઆઇએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ્સ વિભાગ ઊંઘતો ઝડપાયો હતો. કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈડી અને ડીઆરઆઈની ટીમ પણ આ મામલે તપાસમાં જાેડાશે, જે મની લોન્ડરિંગ અને હવાલાકૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.
૨૦ જુલાઈના રોજ એર ઇન્ટેલિજન્સ યુનિટ સુરત યુનિટના કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પેસેન્જર પ્રોફાઇલિંગ અને દેખરેખના આધારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ આઇએક્સ-૧૭૪ દ્વારા દુબઈથી સુરત આવી રહેલા બે મુસાફરોને એઆઇયુ ટીમ દ્વારા આગમન હોલમાં અટકાવવામાં આવ્યા હતા. સુરત કસ્ટમ્સ, એઆઇયુ યુનિટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી શંકાસ્પદ હિલચાલ પેટર્ન અને ટેક્નિકલ પ્રોફાઇલિંગ ઇનપુટ્સના આધારે મુસાફરો પર નજર રાખવામાં આવી હતી. આ દેખરેખ દરમિયાન સીઆઇએસએફ કર્મચારીઓ દ્વારા એક મુસાફર વિશે મળેલા સમર્થન ઇનપુટથી શંકા વધુ મજબૂત બની હતી. એ મુજબ બંને મુસાફરોની વિગતવાર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી.
બંને મુસાફર (પતિ અને પત્ની) વિરલ અને ડોલી ધોળકિયાની તપાસ અને વ્યક્તિગત શોધખોળ દરમિયાન કુલ ૨૮.૧૦૦ કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળ્યું હતું, જે જીન્સ/પેન્ટ, આંતરિક વસ્ત્રો, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સ્થાનિક બજારમાં આશરે ૨૫.૫૭ કરોડની કિંમતનું ૨૪.૮૨૭ કિલોગ્રામ સોનું મળ્યું હતું. બંને વ્યક્તિની કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની સંબંધિત જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ કેસમાં શોધાયેલી મોડસઓપરેન્ડી સોનાની દાણચોરી કરવા માટે એડવાન્સ્ડ બોડી કન્સિલમેન્ટ ટેક્નિકનો ઉપયોગ કરવા તરફ નિર્દેશ કરે છે. હજુ વધુ તપાસ ચાલુ છે. વિજિલન્સે ૨૮ કિલો સોના સાથે બંને શકમંદને કસ્ટમને સોંપ્યા છે. નિયમ મુજબ કસ્ટમ ઇમિગ્રેશન વિભાગ દુબઈથી ૨૮ કિલો સોનું લાવનાર પતિ વિરલ અને પત્ની ડોલીની પૂછપરછ કરી રહ્યું છે. ૨૮ કિલો સોનાની પેસ્ટ એટલે કે ૨૫.૫૭ કરોડના સોનાની દાણચોરીનો મામલો હોવાથી બંને શકમંદ સોનું દુબઈથી કોની પાસે મેળવી સુરત લાવ્યાં? સુરતમાં આ સોનાની ડિલિવરી તેઓ કોને આપવાનાં હતાં? સોનાની હેરફેર માટે હવાલાથી નાણાંની વ્યવસ્થા કોણ કોણ કરવાનું હતું? એ મામલે કસ્ટમની તપાસ અને કોર્ટ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમ તપાસમાં જાેડાશે. આ પ્રકરણ મની લોન્ડરિંગ, હવાલા સાથે સંકળાયેલું હોવાથી દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું સ્કેમ બહાર આવશે.
અગાઉ ગોલ્ડ પરની ડ્યૂટી વધુ હતી, જે સવા વર્ષ અગાઉ ઘટાડી હતી. એટલે સ્વાભાવિક રીતે જે ખોટી રીતે ગોલ્ડ મગાવે છે તેમનું માર્જિન ઘટ્યું છે, એટલે જ થોડો સમય સ્મગલિંગ ઓછું થઈ ગયું હતું. ૧૫ ટકા ડ્યૂટી ૬ ટકાની નજીક આવી ગઈ હતી. હવે જ્યારે ગોલ્ડનો ભાવ ૮૦ હજારથી વધીને ૧ લાખ પર આવી ગયો છે ત્યારે ફરી સ્મગલિંગ થવા લાગ્યું હોય એમ લાગે છે, કેમ કે ભાવ વધવાથી જે ડ્યૂટી ભરવી પડે છે એ વધી ગઈ છે અને આથી જ સ્મગલરો એક્ટિવ થયા હોઇ શકે છે.
