રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવતા
કતારગામ પોલીસ મથકમાં ૨ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો
(સિટી ટુડે) સુરત તા.૦૩
અગાઉ ધંધાકીય લેવડ-દેવડ થઈ હોઈ અને કોઈ વ્યાપારમાં પેમેન્ટ ન ચૂકવાય તો તે બનાવ ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યામાં આવતો નથી એવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખી રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે અશોક ધરમશીભાઈ ખેની (રહે. ૧૦૧, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, અડાજણ) અને ઘનશ્યામ કોબડી (રહે. ૫૭, શ્યામ વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા) વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રૂ. ૫૬,૨૨,૬૪૧/- નો હીરાનો માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ન આપતા આઈ.પી. સી. ૪૨૦, ૪૦૯ અને ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે આરોપી અશોક ખેનીની તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી હતી. જેથી આ આરોપીએ એડવોકેટ અશ્વિન જે. જાેગડિયા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી બચાવ રજૂ કર્યો હતો કે, પક્ષકારો વચ્ચે આ બનાવ અગાઉ હિરાની લેવડદેવડના વ્યવહારો થયા હતા, અને તેમાં પેમેન્ટ પણ ચુકવાયું છે. જેથી આ સંજાેગોમાં છેતરપિંડીનો આ કેસ નથી, અને આવો વ્યવહાર નાણાંકીય લેવડ દેવડનો હોવાથી સિવિલ નેચરનો બનાવ છે. જેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે બાકી નાણાં ન ચુકવાતા હાલની એફ આઈ આર થઈ હોવાનું અને વેપારી વ્યવહાર હોવાનું ટાંકીને આરોપીને શરતોને આધીન રૂ. ૫૦,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
