સુરત, તા.૨૧
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદ થયા બાદ આજે ભારે ડ્રામા વચ્ચે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને જણાવ્યું કે ફોર્મ પર તેમણે સહી નથી કરેલી. આજે સુરત કલેક્ટર કચેરીએ ટેકેદારોએ હાજર રહેવાનું હતું, પરંતુ કોઈ ટેકેદાર હાજર ન રહેવાના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ગઈકાલથી જ સવાલ થયો હતો કે તેમનું ફોર્મ રદ થશે કે કેમ. કુંભાણી એ તો એવો આરોપ મૂક્યો હતો કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરીમાં આ મામલે લાંબી સુનાવણી બાદ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. તેના કારણે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. ભાજપ માટે અહીં માર્ગ સાવ આસાન બની ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેઓ ટેકેદારોને લાવી શક્યા ન હતા.
સુરતની કલેક્ટર કચેરીએ આજે સવારે ૯ વાગ્યા પછી એક પ્રકારનો ડ્રામા શરૂ થયો હતો. તેમાં કુંભાણીના ફોર્મ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. ત્યાર પછી ટેકેદારો આવ્યા ન હોવાના કારણે કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
આ ઘટના પછી કોંગ્રેસે અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ પર ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના અનુપ રાજપૂતે જણાવ્યું કે, આ બંને કોંગ્રેસમાં હતા ત્યારે નિલેશભાઈ સાથે તેમને નજીકના સંબંધ હતા. કોંગ્રેસના નેતા બાબુ માંગુકીયાએ કહ્યું કે, એક જ પ્રિન્ટર પરથી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યા છે. એક જ વકીલની નોટરી પણ કરવામાં આવી છે, તેથી કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે. આજે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેમના ટેકેદારો આવી જશે. પરંતુ કોઈ આવ્યું ન હતું. આ દરમિયાન કલેક્ટર કચેરીમાં ધક્કામુક્કી થઈ હતી અને પોલીસ તથા મિડિયા વચ્ચે પણ વિવાદ થયો હતો.