સુરત, તા.૨૨
ગુજરાતમાં લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થઇ ગયા છે. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. જે બાદ આજે સોમવારે તમામ અન્ય પક્ષના ઉમેદવારોએ પણ એક બાદ એક ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જીત પર ખુશી વ્યક્ત કરી હતી.
સી. આર. પાટીલે કહ્યું કે, આજે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર, બન્નેના ફોર્મ રદ થયા હતા. તે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને અન્ય ૮ ઉમેદવારો હરીફાઇમાં હતા. તેઓ કેટલીક પાર્ટી અને અપક્ષ ઉમેદવારો હતા. તેમણે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર દ્વારા મુકેશ દલાલ (૨૪, સુરત લોકસભાના ઉમેદવાર)ને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
ચૂંટણી પહેલા જ જેવી રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો. પહેલો આક્ષેપ કર્યો કે તેમના ઉમેદવારના ટેકેદારોનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. તેમણે વહીવટીતંત્ર પર ખોટી રીતે પ્રેશર લાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હકીકત સામે આવી છે. મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. હું મુકેશ દલાલ અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપુ છુ. સુરતની લોકસભાની સીટ એ ભાજપના ૪૦૦ને પારના લક્ષ્યાંકની પહેલી જીત છે. અમે આ જીત પીએમ મોદીને અર્પણ કરીએ છે. સાથે જ વિશ્વાસ અપાવીએ છે કે, સુરત સિવાયની ૨૫ સીટો પણ જીતીને ગુજરાતના ૨૬ કમળ પીએમ મોદીને અર્પણ કરવાના છીએ.
સુરત લોકસભા સીટ અંગે ચૂંટણી કમિશ્નર દ્વારા મારી જે જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે પીએમ મોદીના ચરણોમાં અર્પણ કરુ છુ. આ જીત પીએ મોદીના લક્ષ્યાંક ‘અબ કી બાર ૪૦૦ પાર’ તે દિશામાં પહેલું પગલું છે.