સુરત, તા.૧૮
બોગસ ભારતીય આધારકાર્ડ તથા બાંગ્લાદેશની નેશનલ આઈડી સાથે પકડાયેલી શર્મીનખાનને પાસપોર્ટ રૃલ્સ તથા ફોરેનર્સ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવાઇ
બે વર્ષ પહેલાં કામરેજ તાલુકાના અંબોલી ગામમાં ગેરકાયદે વસવાટ કરતી એસઓજી પોલીસે ઝડપેલી બાંગ્લાદેશી મહીલાને આજે છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ. એ. વાયડાએ પાસપોર્ટ રૃલ્સ (એન્ટ્રી ઈન ટુ ઈન્ડીયા)ની કલમ-૩,૬ તથા ફોરેનર્સ એક્ટની કલમ ૩(૧)(૨)(એ)(જી) ૧૪માં દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્તકેદ,૫ હજાર દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા ફટકારી છે.
એસઓજી પોલીસમાં એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવતા ફરિયાદી ઈમ્તિયાઝ ફકરૃ મોહમદે ગઈ તા.૩૧-૧૨-૨૨ના રોજ મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના અંબોલી ગામમાં રાજ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહીલા શર્મીનખાનમ તે ઈનાયત શેખની પુત્રી તથા બહાદુર રફીક ખાંની પત્નીની તલાશી લીદી હતી.જે દરમિયાન તેની પાસેથી બોગસ ભારતીય આધારકાર્ડ તથા બાંગ્લાદેશી નેશનલ આઈડી તથા બાંગ્લાદેશ ના જન્મનું પ્રમાણ પત્ર મળી આવ્યું હતુ.જ્યારે પાસપોર્ટ કે વીઝા મળી આવ્યા નહોતા.
આરોપી શર્મીમખાનમની પુછપરછ દરમિયાન તેને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરીને અગાઉના પતિ યુનુસ મોલ્લા યામીન મોલ્લાની મદદથી મહારાષ્ટ્ર મુંબઈમાં બોગસ ભારતીય આધારકાર્ડ બનાવ્યો હતો.એજન્ટની મદદથી મોબાઈલ સીમકાર્ડ મેળવીને બાંગ્લાદેશ પરત ગયા બાદ ફરીથી પશ્ચિમ બંગાળથી પ્રવેશી ટ્રેન મારફતે સુરત આવીને રહેતા હોવાનું જણાવ્યું હતુ.
જેથી આરોપી શર્મીમખાન વિરુધ્ધ ચોકબજાર પોલીસમાં ઈપીકો-૪૬૫,૪૬૭,૪૭૧,૩૪ તથા પાસપોર્ટ એક્ટની કલમ-૧૨(૧) તથા પાસપોર્ટ રૃલ્સ(એન્ટ્રી ઈન ટુ ઈન્ડીયા)ની કલમ-૩,૬ તથા ફોરેનર્સ એક્ટની કલમ-૩(૧)(૨)(એ)(જી)૧૧૪ના ગુનાના ભંગ બદલ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી જેલભેગી કરી હતી.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા સરકારપક્ષે એપીપી સૌરભ પી.ચૌહાણે કુલ ૯ સાક્ષી તથા આઠ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી શર્મીમખાનમને ઉપરોક્ત ગુનામાં દોષી ઠેરવી સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.
કામરેજ તાલુકાના અંબોલી ગામમાં બે વર્ષ પહેલાં ગેરકાયદે વસવાટ કરતી ઝડપાયેલી આરોપી મહીલા શર્મીમખાનમે પોતાના વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે પોતે મહારાષ્ટ્રની વતની છે.પરંતુ ભારતના નાગરિક છે તેવો એક પણ પુરાવો કોર્ટના રેકર્ડ પર લાવી શક્યા નહોતા.જેથી ફરિયાદપક્ષના તમામ પુરાવા જાેતા આરોપી બાંગ્લાદેશના નાગરિક છે તેવું ફરિયાદપક્ષ પુરવાર કર્યુ છે.આરોપી પાસે ભારતમાં પ્રવેશ કરવા અંગે કોઈ વીઝા કે પાસપોર્ટ હોત તો ટ્રાયલ દરમિયાન કોર્ટમાં રજુ કરી શક્યા હોત.પરંતુ આરોપીનો આવો કોઈ બચાવ નહોતો.