સુરત, તા.૧૨
સુરતના હાર્દ સમાન ભાગળ વિસ્તારમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભાગોળ વિસ્તારના એક તરફના વેપારીઓ દ્વારા તાજેતરમાં જ વિરોધ નોંધાયા બાદ હવે આર્યમન આર્કેડના વેપારીઓ પણ લડત ઉપાડી રહ્યા છે. આજે વેપારીઓએ ચીમકી આપી હતી કે, જ્યાં સુધી મેટ્રો અમારી માંગણી પૂરી કરે નહીં ત્યાં સુધી હોસ્પિટલ પાસેની કામગીરી આગળ ચાલવા દઈશું નહીં. સુરતના ભાગળ વિસ્તારના આર્યમન આર્કેડના વેપારીઓમાં આજે ભારે રોષ જાેવા મળ્યો હતો. કુલ ૩૨૫ જેટલી કોમ્પ્લેક્સમાં દુકાનો છે જે હાલ આવકની દ્રષ્ટિએ નહિવત થઈ ગઈ છે. મેટ્રોની કામગીરીના કારણે લોકો ત્યાં ગ્રાહક તરીકે પ્રવેશી શકતા નથી જેને કારણે આર્થિક મોટું નુકસાન છેલ્લા ઘણા સમયથી સહન કરી રહ્યા છે. આજે વેપારીઓએ એકત્રિત થઈને મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી. તે કામગીરી જ બંધ કરાવી દીધી અને તેમના માણસોને પણ કામ બંધ કરીને બાજુ ઉપર જતું રહેવા માટે કહી દેવાયું હતું. જેથી મેટ્રોની કામગીરી આજે બપોર બાદ ત્યાં બંધ કરી દેવામાં આવી હતી. આર્યમન આર્કેડમાં મેડિકલની દુકાન ચલાવનાર હરે ક્રિષ્ના દોરીવાલાએ જણાવ્યું કે, મેટ્રોના કારણે અમે ૨૨ મહિનાથી હેરાન થઈ રહ્યા છે આજે અમારું કાઉન્ટર માત્ર ૨૦% જેટલું રહ્યું છે. જે ફૂટપાથ હતો તેને પણ આ લોકોએ રોડ બનાવીને અમને તેનો ઉપયોગ કરવા માટે કહી રહ્યા છે. અમારા કોઈ ફિક્સ લાઈન હોતા નથી ગ્રાહકો રસ્તા ઉપર ચાલતા હોય છે અને ગામ જતી વખતે અમારી પાસેથી ખરીદી કરીને જતા હોય છે. મેટ્રોને અમે આ બાબતે વારંવાર રજૂઆત કરી છતાં પણ તેમણે કોઈ ગંભીરતા લીધી નથી. હવેથી અમે આ કામ આગળ વધવા દેવાના નથી તમામ ૩૨૫ જેટલા વેપારીઓએ એકત્રિત થઈને મેટ્રોનિયા કામગીરી બંધ કરાવી દીધી છે અને કાલથી અમે રસ્તા ઉપર ટેબલ રાખીને જ અમારો સામાન વેચવાના છીએ.