ઈસ્લામાબાદ, તા.૬
પાકિસ્તાને કાશ્મીર પછી હવે જૂનાગઢને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે ગુરુવારે જૂનાગઢ મુદ્દાને ફરી ઉઠાવ્યો.
તેમણે આરોપ લગાવ્યો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજાે કર્યો છે. પોતાની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન બોલતા મુમતાઝે કહ્યું કે જૂનાગઢ વિશે પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે ભારતના ગુજરાતનું એક શહેર જેને ૧૯૪૮માં મેળવી લેવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો, “જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો તેના પર ગેરકાયદેસર કબજાે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન છે.”
જૂનાગઢની કાશ્મીર સાથે સરખામણી કરી મુમતાઝે ભાર મૂકીને કહ્યું કે પાકિસ્તાન “હંમેશા રાજકીય અને કૂટનીતિક મંચો પર જૂનાગઢ મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે.” તેમણે કહ્યું, “પાકિસ્તાન પણ જૂનાગઢ મુદ્દાને જમ્મુ અને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડા માને છે.” પાકિસ્તાન દુનિયાના દરેક મંચ પર કાશ્મીર મુદ્દાને ઉઠાવતું રહ્યું છે, પરંતુ તેને દરેક જગ્યાએથી જાકારો મળ્યો છે. પાકિસ્તાન કાશ્મીરને આતંકવાદના માધ્યમથી મેળવવાનું સપનું જુએ છે. આ કારણે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો નીચલા સ્તરે છે. આ ઉપરાંત, પ્રેસ બ્રીફિંગ દરમિયાન, મુમતાઝે બાંગ્લાદેશ સાથે “સકારાત્મક અને મજબૂત સંબંધો” વિકસાવવાની પાકિસ્તાનની ઇચ્છા વ્યક્ત કરી. તેમના અનુસાર, “બંને દેશોની સરકારોના સહયોગથી સંબંધો વધુ સારા થશે.” તેમણે પત્રકારોને કહ્યું, “પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મજબૂત સંબંધો બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે.” આ ઉપરાંત, તેમણે જાહેર કર્યું કે શાંઘાઈ સહયોગ સંગઠન (જીર્ઝ્રં)ના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.
આપને જણાવી દઈએ કે, પાડોશી દેશ પાકિસ્તાને આ પહેલા પણ જૂનાગઢ પર પોતાનો દાવો કર્યો છે. પાકિસ્તાને અગાઉ પણ જૂનાગઢને પોતાનો ભાગ જાહેર કર્યો હતો, વર્ષ ૨૦૨૦માં પાકિસ્તાને નવો નકશો જાહેર કર્યો હતો. નકશામાં તેણે જૂનાગઢને પાકિસ્તાનમાં બતાવ્યું હતું. ભારતે આ નકશાનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં ભારતે કહ્યું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે. તેનો કોઈ અર્થ નથી.