સુરત, તા.૦૩
નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડશાળા દ્વારા ઉમેદવારી ફોર્મ રદ થવા માટેનું કાવતરું રચાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેને લઇને શહેરભરમાં વ્યાપક રોષ જાેવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ યુવા સંગઠનના નેતાએ કહ્યું કે, આ બંને લોકોએ શહેરીજનોના મતાધિકાર છીનવ્યા છે, તેઓ દોષિત છે. સુરતની પ્રજા આ ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસ પક્ષ સાથે જેણે ગદ્દારી કરી છે તેના બેનરો લાગવાના હજી પણ યથાવત જાેવા મળી રહ્યા છે. નિલેશ કુંભાણી સાથે સુરેશ પડસાળા પણ એટલા જ જવાબદાર છે. સુરેશ પડસાળા આ સમગ્ર કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ છે. ડમી ઉમેદવાર તરીકે તેમનું ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યું નથી. જાેકે આ બધી ક્ષતિઓ પોતે જ ઊભી કરે છે કે પોતાનું ફોર્મ રદ થઈ જાય તેમણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે, પરંતુ સાથે સાથે સમગ્ર શહેરના મતદારો સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. આ પ્રકારની લાગણી શહેરભરમાં જાેવા મળી રહી છે.
કોંગ્રેસ યુવા સંગઠનના નેતા મેહુલ દેસાઈએ જણાવ્યું કે, લોકશાહીના પર્વમાં સુરતને બાકાત કરી દેનારા આ બંને મહાઠગોને લઈને અમે વિરોધ કરી રહ્યા છે. સુરેશ પડસાળા પણ લોકોના મતાધિકાર છીનવવામાં દોષિત છે. સુરતની પ્રજા આ બંને ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. સમગ્ર દેશના ઇતિહાસમાં સુરત લોકસભા પહેલી એવી બેઠક થઈ કે જેનો ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો. તેના કારણે સુરત શહેરની છબી પણ ખરડાઈ છે. લોકશાહી ઉપર કલંક માની શકાય એવા નિલેશ કુંભાણી અને સુરેશ પડસાળાના બેનરો લગાવીને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ.
સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જાેધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ૨૦ એપ્રિલના સવારના ૧૦ વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો. ૨૧મીએ સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું. ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કર્યા હતા. તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા, પરંતુ ૬ દિવસ બાદ અચાનક તેઓ સામે આવ્યા હતા અને ૫ મિનિટ ૧૫ સેકન્ડના વીડિયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. ઉલ્લેખનીય છે કે, જ્યારે તેઓ સામે આવ્યા એ દિવસે જ કોંગ્રેસે સવારે કુંભાણીને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.